શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો:અદાણી ગ્રુપના તમામ 10 શેરોમાં ઘટાડો, સેન્સેક્સ ગગડી 57,500 નજીક

March 20, 2023

અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસ, એટલે કે આજે સોમવારે (20 માર્ચ)ના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, સેન્સેક્સ 500 પોઈન્ટ નીચે ઊતરી 57,500 નજીક ટ્રેડ કરી રહ્યો છે. અગાઉ આજે સેન્સેક્સ 216 પોઈન્ટના ઘટાડા સાથે 57,773 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 59 પોઈન્ટનો ઘટાડો થયો છે, એ 17,066ના લેવલ પર ખૂલ્યો. સવારે 11 કલાકે 30માંથી 27 શેરમાં ઘટાડો અને ફક્ત 3માં તેજી હતી. અદાણી ગ્રુપના તમામ 10 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. સવારે સાડા 9 કલાકે અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર અંદાજે 2.53% ગગડી ટ્રેડ કરી રહ્યો હતો. પોર્ટમાં 1.34%નો ઘટાડો થયો. 

સ્વિટ્ઝર્લેન્ડની યુનિયન બેંક (UBS) સ્વિસ બેંક ક્રેડિટ સુઇસને ખરીદશે. રિપોર્ટ મુજબ, આ ડીલ માટે UBS 3 બિલિયન સ્વિસ ફ્રેન્ક (3.23 બિલિયન ડોલર) ખર્ચ કરશે. એની સાથે જ યુનિયન બેંક ઓફ સ્વિટ્ઝર્લેન્ડ ક્રેડિટ સુઇસ બેંકના 5.4 અબજ ડોલરના નુકસાનને સ્વીકાર કરવા માટે પણ તૈયાર થઈ છે. ક્રેડિટ સુઇસ બેંકની ગણતરી યુરોપની ટોપ બેંકોમાં થાય છે.

શુક્રવારે (17 માર્ચ)ના રોજ ભારતીય શેરબજારમાં પણ વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 355 પોઈન્ટ અથવા 0.62% મજબૂતી સાથે 57,989 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30માંથી 21 શેરોમાં વધારો થયો હતો અને 9માં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 139 પોઈન્ટ ચઢી 17,125ના લેવલે બંધ થયો.

શુક્રવાર એટલે કે 17 માર્ચના રોજ ટ્રેડિંગમાં ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (FII) નેટ સેલર્સ રહ્યા. NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 17 માર્ચના રોજ FIIએ બજારમાંથી 1766.53 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા, જ્યારે આ દરમિયાન ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (DII) નેટ બાયર્સ રહ્યા. તેમણે 17 માર્ચના રોજ 1817.14 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

ક્રૂડ ઓઇલ 15 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું છે. શુક્રવારના રોજ બ્રેન્ટનો ભાવમાં અંદાજે 2.50%નો ઘટાડો થયો હતો. બ્રેન્ટનો ભાવ 71.40 ડોલર સુધી પહોંચી ગયો છે. આજે બ્રેન્ટમાં 73 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. WTIમાં પણ ક્રૂડ 68 ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.