શેરબજારમાં ફરી પાછા તેજીવાળા સક્રિય, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ પર બંધ

July 09, 2024

શેરબજારમાં ફરી પાછા તેજીવાળા સક્રિય બન્યા છે. બે દિવસના કોન્સોલિડેશન બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટીએ આકર્ષક ઉછાળા સાથે શરૂઆત કર્યા બાદ ટ્રેડિંગ સેશનના અંતે ઐતિહાસિક સપાટીએ બંધ આપ્યું છે. રોકાણકારોની મૂડી પણ 1.51 લાખ કરોડ વધી છે.

સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 391.26 પોઈન્ટ ઉછાળા સાથે 80351.64ની નવી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો છે. જે અંતિમ સેશનમાં 80397.17ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ 24443.60ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ અંતે 97 પોઈન્ટ ઉછાળા સાથે 24417.55 પર બંધ રહ્યો હતો.

બીએસઈ માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 451.26 લાખ કરોડ ક્રોસ થઈ છે. બીએસઈ ખાતે આજે 331 શેર્સ વર્ષની નવી ટોચે અને 323 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. બીજી બાજુ 24 શેર્સ વર્ષના તળિયે અને 244 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 4026 શેર્સમાંથી 2021 શેર્સ સુધારા તરફી અને 1913 શેર્સ ઘટાડે બંધ રહ્યા હતા. રિયાલ્ટી ઈન્ડેક્સ 1.23 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.01 ટકા, ઓટો 2.17 ટકા, હેલ્થકેર 1 ટકા, એફએમસીજી 1.06 ટકા ઉછાળે બંધ રહ્યા છે. સ્મોલકેપ, મીડકેપ અને લાર્જકેપ પણ નવી ટોચે પહોંચ્યા છે.

વિદેશી રોકાણકારોની ખરીદીઃ વિદેશી રોકાણકારોએ એપ્રિલ-મેમાં મોટાપાયે વેચવાલી દર્શાવ્યા બાદ હવે જુલાઈમાં ધીમા ધોરણે ખરીદી વધારી છે. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ કુલ રૂ. 9362.16 લાખ કરોડની ખરીદી કરી છે. જૂન માસમાં રૂ. 2037.47 લાખ કરોડની ખરીદી કરી હતી. મેમાં રૂ. 42214.28 લાખ કરોડ અને એપ્રિલમાં 35692.19 લાખ કરોડની વેચવાલી કરી હતી.

વૈશ્વિક સ્તરે પોઝિટિવ પરિબળોઃ વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળો વધ્યા છે. સપ્ટેમ્બર સુધીમાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની શરૂઆત, અમેરિકી જીડીપી અને જોબના મજબૂત આંકડા સહિતના પરિબળોની અસર સ્થાનિક બજાર પર જોવા મળી છે.

પોઝિટીવ ત્રિમાસિક પરિબળોઃ લોકસભા ચૂંટણી પરિણામો બાદ માર્કેટ સતત સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય અર્થતંત્રનો મજબૂત ગ્રોથ આઉટલૂક અને પીએમઆઈમાં વૃદ્ધિ સાથે જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ પરિણામો પોઝિટીવ રહેવાનો આશાવાદ છે. જીએસટી કલેક્શન પણ રેકોર્ડ સ્તરે નોંધાતા લિક્વિડિટી વધી છે.

જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરના મતે, વૈશ્વિક અને સ્થાનિક સ્તર સકારાત્મક પરિબળોના લીધે માર્કેટ મોમેન્ટમ પોઝિટીવ જળવાઈ રહ્યું છે. સારો વરસાદ રહેવાના સંકેતો સાથે ખરીફ વાવણી વધવાની સંભાવના સાથે એફએમસીજી અને ઓટો સેક્ટરમાં તેજી વધી છે. રોકાણકારો પ્રથમ ત્રિમાસિક પરિણામોની રાહ જોઈ રહ્યા છે. જે માર્કેટની આગામી ચાલ નક્કી કરશે. આઈટી સેક્ટરમાં વૃદ્ધિની અપેક્ષા પરિણામો બાદ ખબર પડશે. વધુમાં એફઆઈઆઈની ખરીદીના લીધે માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટીવ બન્યું છે.