ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર, શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ એકઝાટકે 1264 પોઈન્ટ તૂટ્યો

October 03, 2024

ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલાને પગલે યુદ્ધ છંછેડાવાની ભીતિને પગલે ભારતીય શેરબજારમાં હડકંપ મચી ગયું છે. આજે સ્ટોક માર્કેટ પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સમાં એકઝાટકે 1264 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.  જ્યારે નિફ્ટી 50માં પણ 345 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી તંગદિલીથી બજારનો મૂડ બગડ્યો છે. જોકે સૌથી મોટી ડરની વાત એ છે કે ઈરાને તો 500 જેટલી મિસાઈલો ઝિંકીને ઈઝરાયલમાં હાહાકારની સ્થિતિ સર્જી દીધી પરંતુ હવે ઈઝરાયલ આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે તેના પર સૌની મોટી મંડાઈ છે. જો ઈઝરાયલ વધારે તબાહી સર્જશે તો એક મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે જેની અસર સીધી રીતે વેપાર અને શેરબજાર પર થવાની છે. 

શેરબજારમાં કડાકા પાછળ હાલમાં ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા બાદ યુદ્ધ થવાની આશંકાને મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારતીય શેરબજારમાં સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં નુકસાન દેખાયું. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.07 ટકા તૂટ્યો. એફએમસીજીમાં પણ 1.52 ટકાનો કડાકો બોલાયો છે. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ, પીએસયુ બેન્ક, હેલ્થકેરમાં એક-એક ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સહિત મોટાભાગના ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા.