અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય

August 31, 2025

દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ ઝિંક્યા બાદ ભારતીય પોસ્ટ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાના કારણે અને રશિયા ઓઈલથી કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરતું હોવાથી ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકેલો છે, ત્યારે હવે ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા સાથેની તમામ પોસ્ટલ સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વિભાગે અમેરિકા જતી તમામ કેટેગરીની પોસ્ટ સુવિધા સંપૂર્ણ સસ્પેન્ડ કરી દીધી છે.
કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયે રવિવારે માહિતી શેર કરીને સ્પષ્ટ કહ્યું છે કે, ભારતીય પોસ્ટલ વિભાગે અમેરિકામાં મોકલાતા પત્ર, ડોક્યુમેન્ટ્સ અને ગિફ્ટ પ્રોડક્ટ સહિત તમામ કેટેગરીની પોસ્ટલ બુકિંગ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા એરલાઈન્સ દ્વારા અમેરિકામાં સામગ્રી પહોંચાડવામાં આવે છે, જેમાં અનેક મુશ્કેલી આવી રહી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા લાગુ કરાયેલ નિયમો બાદ નિયમનકારી તંત્રનો અભાવ થતા પત્ર, ડોક્યુમેન્ટ્સ અને 100 ડૉલરની મૂલ્યના ગિફ્ટ પ્રોડક્ટ સહિત તમામ શ્રેણીની બુકિંગ સેવા સંપૂર્ણ બંધ કરવાનો આવશે.