દેશમાં કોરોનાના વધુ 529 કેસ નોંધાયા, JN.1 વેરિયન્ટના 109 કેસ, 3 રાજ્યોમાં સ્થિતિ વણસી

December 27, 2023

નવી દિલ્હી, : દેશમાં કોરોના વાયરસની સાથે સાથે તેના નવા વેરિયન્ટ JN.1ના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે આજે કહ્યું કે, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 529 કેસ નોંધાયા છે. આ સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને 4093 પર પહોંચી ગઈ છે. બીજીતરફ કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના 109 કેસો સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે 8 કલાકે લેટેસ્ટ ડેટા જાહેર કર્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયા છે, જેમાં કર્ણાટકના 2 અને ગુજરાતના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. તો વધુ 603 દર્દીઓ સાજા પણ થયા છે. 

5 સપ્ટેમ્બર સુધીમાં કોરોના કેસોમાં ઘટાડો થયો હતો, જોકે શિયાળો શરૂ થતા કોરોના કેસો પણ વધી રહ્યા છે. બીજીતરફ કનવો વેરિયન્ટ જેએન-1ના વધતા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. 2020ની શરૂઆતમાં મહામારીએ માથુ ઉચકતા દૈનિક લાખો દર્દીઓ સંક્રમિત થતા હતા. અત્યાર સુધીમાં કુલ 4.5 કરોડથી વધુ કોરોનાનો સામનો કરી ચુક્યા છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 5.3 લાખ લોકોના મોત પણ નિપજ્યા છે. આરોગ્ય મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ મુજબ કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા 4.4 કરોડે પહોંચી છે. દેશમાં સ્વસ્થ થવાનો દર 98.81 ટકા જ્યારે મૃત્યુદર 1.19 ટકા નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ લોકોને કોવિડ વેક્સિનનો ડોઝ અપાયો છે.