હુરુન ઈન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા, ભારતના 300 પરિવારનો દૈનિક 7100 કરોડનો વેપાર

August 13, 2025

ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશમાં અબજોપતિઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતના ધન કૂબેરોની યાદી તૈયાર કરતી બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્‌સ હુરુન ઈન્ડિયાની વર્ષ 2025ની યાદીમાં 100 નવા પરિવારોનો સમાવેશ થયો છે, જેને પગલે કુલ 300 પરિવારોની વેલ્યુ 134 લાખ કરોડ રૂપિયા અને સરેરાશ દૈનિક કુલ વેપાર 7100 કરોડ થઈ ગયો હતો, જે તુર્કીયે અને ફિનલેન્ડની સંયુક્ત જીડીપીથી પણ વધુ છે. 

દેશના ટોચના 10 પરિવારોની કુલ વેલ્યુ 40.4 લાખ કરોડ છે, જે ગયા વર્ષ કરતાં 4.6 લાખ કરોડનો વધારો દર્શાવે છે.  હુરુન ઈન્ડિયાની સૌથી વધુ વેલ્યુ ધરાવતા પારિવારિક ઔદ્યોગિક જૂથની યાદીમાં અંબાણી પરિવાર સતત બીજા વર્ષે નંબર-1 પર છે.  તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વેલ્યુ 28.2 લાખ કરોડ છે. અંબાણી પછી બીજા ક્રમ પર કુમાર મંગલમ બિરલા પરિવાર છે, જેમની વેલ્યુ 6.5 લાખ કરોડ છે. 

ત્રીજા નંબરે જિન્દાલ પરિવારની વેલ્યુ 5.7 લાખ કરોડ છે. આ ત્રણેય પરિવારોનું કુલ સંયુક્ત મૂલ્ય જીડીપીની દ્રષ્ટિએ ફિલિપાઇન્સ સમકક્ષ છે. પહેલી પેઢીના સૌથી મૂલ્યવાન બિઝનેસમાં અદાણી પરિવાર 14 લાખ કરોડ સાથે પહેલા અને પૂનાવાલા પરિવાર 2.3 લાખ કરોડ સાથે બીજા નંબરે છે. ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગના પ્રમુખ 93 વર્ષના કનૈયાલાલ માણેકલાલ શેઠ સૌથી વૃદ્ધ સક્રિય બિઝનેસ લીડર છે.