દિલ્હી-NCRમાં જુના વાહનોના માલિકો પર કોઈ એક્શન લેવામાં નહીં આવે : સુપ્રીમ કોર્ટ

August 13, 2025

દેશની રાજધાની દિલ્હીમાં 10 વર્ષ જુના ડીઝલ વાહનો અને 15 વર્ષ જુના પેટ્રોલ વાહનોના માલિકો માટે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે હાલમાં આ વાહનોના માલિકો વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી નહીં થાય. આ આદેશ મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ, જસ્ટિસ વિનોદ કે ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની ખંડપીઠે આપ્યો છે. 
 
ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું કે આગામી 4 અઠવાડિયા સુધી આવા વાહન માલિકો પર કોઈ દંડ કે કાર્યવાહી કરવામાં આવશે નહીં, માત્ર એટલા માટે કારણ કે તેમની પાસે ડીઝલ વાહન 10 વર્ષ જુના અને પેટ્રોલ વાહન 15 વર્ષ જૂનું છે. કોર્ટે આ મામલે નોટિસ જાહેર કરી છે અને સંબંધિત પક્ષો પાસેથી 4 અઠવાડિયાની અંદર જવાબ માગ્યો છે. ત્યારબાદ કેસની સુનાવણી કરવામાં આવશે.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યુંકે પહેલાની ગાડીઓ 40થી 50 વર્ષ સુધી ચાલતી હતી અને આજે પણ ઘણી વિન્ટેજ કાર હાજર છે. તેમને પ્રશ્ન કર્યો કે માત્ર ઉંમરના આધાર પર વાહનને ભંગાર માનવું યોગ્ય નથી. કોર્ટે સંકેત આપ્યો કે આ મુદ્દા પર વધારે વિચાર કરવાની જરૂર છે. ખાસ કરીને ત્યારે જ્યારે વાહનોની સ્થિતિ અને તેમની પ્રદૂષણ સ્તર અલગ અલગ હોય શકે છે.