દિલ્હી ફરી શર્મશાર : સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલી બે બાળકીઓ પર હેવાનિયત, બેની ધરપકડ

August 13, 2025

દિલ્હીમાં નરેલાના લામપુર સ્થિત એમકે સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે આવેલી બે ન વર્ષીય બાળકીઓ પર સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટના બની છે. પીડિત પરિવારની ફરિયાદ પર નરેલા પોલીસ સ્ટેશને સ્વિમિંગ પૂલના કોન્ટ્રાક્ટર અનિલ અને કેર ટેકર મુનિલની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા પેટે ચાદર, ઓશિકાના કવર, આપત્તિજનક સામાન ડીવીઆર જપ્ત કર્યા છે. 

નરેલા પોલીસ કર્મીએ જણાવ્યું હતું કે, સ્વિમિંગ પૂલથી લગભગ 6થી 7 કિમી દૂર રહેતી બે સગીર બાળકી બસમાં બેસી નરેલા સ્થિત સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે આવી હતી. તેઓ અગાઉ પણ સ્વિમિંગ કરવા અહીં આવ્યા હતાં. પાંચ ઓગસ્ટના રોજ જ્યારે બંને બાળકી સ્વિમિંગમાં પ્રવેશી તો કોન્ટ્રાક્ટર અનિલે બંને બાળકીઓને પકડી લીધી હતી. તેમને પરિસરમાં આવેલા એક રૂમમાં બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં કેર ટેકર મુનિલે પણ બંને બાળકીઓ પર દુષ્કર્મ કર્યું હતું. બંને સગીરાને આ વાતની જાણ કોઈને પણ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના સમયે સ્વિમિંગ પૂલમાં આરોપી સિવાય કોઈ હાજર ન હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પૂલ સત્તાવાર ધોરણે હજી સુધી ઉપયોગ માટે ખુલ્લુ મુકાયુ ન હતું. તેમ છતાં અહીં આસપાસના લોકો કોઈપણ ચાર્જ વિના અને ઔપચારિક મંજૂરી સાથે ન્હાવા માટે આવતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ઘટનાના સમયે પૂલનો ગેટ ખુલ્લો હોવાથી બંને બાળકીઓ ન્હાવા માટે આવી હતી. તે દરમિયાન અચાનક આ બે નરાધમો આવ્યા અને દુષ્કૃત્યને અંજામ આપ્યો. આઉટર-નોર્થ ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હરેશ્વર વી સ્વામીએ જણાવ્યું કે, આઠ ઓગસ્ટના રોજ નરેલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાની નવ વર્ષીય બાળકી અને અન્ય એક નવ વર્ષની બાળકી પર લામપુર સ્થિત એમકે સ્વિમિંગ પૂલમાં પાંચ ઓગસ્ટના રોજ સામૂહિક દુષ્કર્મ થયુ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મહિલાની ફરિયાદ પર પોલીસે બંને બાળકીઓની મેડિકલ તપાસ હાથ ધરી હતી. બાદમાં નવ ઓગસ્ટના રોજ નરેલા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 70 (2) (સામૂહિક દુષ્કર્મ), 127 (ખોટી રીતે બંધક બનાવવા પર), 351 (ગુનાહિત ધમકી) અને પોક્સો અધિનિયમની કલમ 6 અને 10 હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપીની ધરપકડ માટે નરેલા એસપી રાકેશ કુમાર અને એસએચઓ રાજેન્દ્રસિંહના નેતૃત્વમાં ટીમ બનાવી હતી. ટીમે બંને આરોપીની ધરપકડ કરી છે. અનિલ બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે. જ્યારે આરોપી મુનિલ ઉત્તર પ્રદેશના આઝમગઢનો રહેવાસી છે.