સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો

December 02, 2024

ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખુલ્યાની 15 મિનિટની અંદર સોનાના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો થયો હતો. નિષ્ણાતોના મતે ડૉલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડિસેમ્બરના પ્રથમ ટ્રેડિંગ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું બજાર ખુલ્યાની 15 મિનિટમાં જ 900 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. અહેવાલો અનુસાર, ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત 76,201 રૂપિયા પ્રતિ દસ ગ્રામના દિવસના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. જ્યારે શુક્રવારે (29મી નવેમ્બર) સોનાની કિંમત 77,128 રૂપિયા  હતી.

બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કિંમત 10 મિનિટની અંદર 1175 રૂપિયા ઘટીને 90,034 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે ચાંદીની કિંમત 91,209 રૂપિયા હતી. જ્યારે આજે તે રૂ.90,555 પર બંધ રહ્યો હતો.