કોંગોમાં મોટી દુર્ઘટના, 500 લોકોને લઈ જતી બોટમાં આગ લાગતાં નદીમાં પલટી, 148ના મોત

April 19, 2025

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં   મોટર વડે ચાલતી એક બોટ આગમાં લપેટાઈ જતાં નદીમાં અધવચ્ચે પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 148થી વધુ લોકો મૃત્યુ નીપજ્યા છે. 

સ્થાનિક અધિકારીઓના અહેવાલ અનુસાર બોટમાં કુલ 500 જેટલા મુસાફરો સવાર હતા જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા. આ દુર્ઘટના કોંગોના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સર્જાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે કોંગોમાં બોટ દુર્ઘટના સામાન્ય વાત છે. અહીં લાકડાની બનેલી બોટો પરિવહનનું મુખ્ય સંસાધન મનાય છે અને અનેકવાર તેમાં ક્ષમતા કરતાં વધારે લોકોની અવર-જવર કરવામાં આવે છે. જે દુર્ઘટનાનું કારણ બને છે. 

અહેવાલો અનુસાર તાજેતરની દુર્ઘટનામાં હજુ પણ સેંકડો લોકો ગુમ છે જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા મૃતકાંક 50 જણાવાયો હતો જોકે પછીથી આંકડો વધ્યો હતો. આ બોટ મટનકુમુ પોર્ટથી બોલોમ્બા માટે જવા રવાના થઇ હતી.