જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિયા સિમેન્ટની રૂ. 793 કરોડની જમીન ટાંચમાં

April 19, 2025

હૈદરાબાદ : ઇડીએ મની લોન્ડરિંગના ૧૪ વર્ષ જૂના કેસમાં આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન વાય એસ જગન મોહન રેડ્ડીના ૨૭.૫ કરોડ રૂપિયાના શેર અને દાલમિયા સિમેન્ટ્સ (ભારત) લિમિટેડ (ડીસીબીએલ)ની ૩૭૭.૨ કરોડ રૂપિયાની જમીન ટાંચમાં લીધી છે. જો કે ડીસીબીએલએ દાવો કર્યો છે કે ટાંચમાં લેવામાં આવેલ જમીનનું મૂલ્ય ૭૯૩.૩ કરોડ રૂપિયા છે.  ઇડીએ જગન રેડ્ડીના ત્રણ કંપનીઓના શેર ટાંચમાં લીધા છે. આ ત્રણ કંપનીઓમાં કારમેલ એશિયા હોલ્ડિંગ્સ લિમિટેડ, સરસ્વતી પાવર અને ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને હર્ષા ફર્મનો સમાવેશ થાય છે.  સીબીઆઇએ આ કેસ ૨૦૧૧માં દાખલ કર્યો હતો. સીબીઆઇની આ એફઆઇઆરને આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતોે. આરોપ મૂકવામાં આવ્યો છે કે દાલમિયા સિમેન્ટે ભારતી સિમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કર્યુ હતું જે જગન રેડ્ડી સાથે સંબધિત છે. ઇડીના જણાવ્યા અનુસાર ડીસીબીએલએ રઘુરામ સિમેન્ટ લિમિટેડમાં ૯૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. જેનું પ્રતિનિધિત્ત્વ જગન રેડ્ડી કરી રહ્યાં હતાં. તેના બદલામાં જગને કથિત રીતે પોતાના પિતા અને તત્કાલીન મુખ્યપ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડીના પ્રભાવનો ઉપયોગ કરી કડપા જિલ્લામાં ૪૦૭ હેક્ટર જમીનની માઇનિંગ લીઝ ડીસીબીએલને અપાવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં સીબીઆઇએ ઇન્ડિયન પિનલ કોડ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં જગન રેડ્ડી, ડીસીબીએલ અને અન્યના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસ માઇનિંગ લિઝ એસવાર સિમેન્ટથી ડીસીબીએલને ટ્રાન્સફર કરવા સાથે પણ સંકળાયેલ છે.