ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સરકારના 3 મંત્રીઓ સામેલ, જેમાં એક છે PM મોદીના 'ખાસ'

April 19, 2025

ભાજપના નવા પ્રમુખની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. એવી ચર્ચા છે કે એપ્રિલના અંત સુધીમાં ભાજપ જે.પી નડ્ડાના વિકલ્પ તરીકે નવા પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરનું નામ પણ પ્રમુખની રેસમાં સામેલ છે. આ સિવાય મોદી સરકારમાં મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે.  કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ નેતાઓમાંથી કોઈપણ એકને અધ્યક્ષની જવાબદારી સોંપાઈ શકે છે. પાર્ટીના પ્રમુખ અંગે નિર્ણય લેતા પહેલા RSSની સલાહ પણ લેવામાં આવશે. જોકે એ પહેલા યુપી, બંગાળ અને આંધ્રપ્રદેશ જેવા મોટા રાજ્યના પ્રમુખ પદને લઈને નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થશે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, ભાજપ 25 એપ્રિલ સુધીમાં યુપી સહિત ઘણા રાજ્યોમાં પ્રમુખોની જાહેરાત કરી શકે છે. ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામાંકન દાખલ કરવામાં આવશે અને એક નેતાનું નામ સર્વસંમતિથી નક્કી કરવામાં આવશે. પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મનોહર લાલ ખટ્ટર પર સર્વસંમતિ સધાય તેવી પ્રબળ શક્યતા છે. તેનું કારણ એ છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના છે અને તે વડાપ્રધાન મોદીની પહેલી પસંદ પણ છે. લાંબા સમયથી RSSના પ્રચારક તરીકે કામ કરી ચૂકેલા મનોહર લાલ ખટ્ટરને સંગઠનની સારી સમજ છે. આ સિવાય RSSને પણ તેમના નામ સામે કોઈ વાંધો નથી કારણ કે તે માને છે કે પાર્ટીની કમાન સમાન વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાના હાથમાં હોવી જોઈએ.