પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ

April 19, 2025

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વર તાલુકાના સ્યાના ચૌપલા સ્થિત ઇન્દ્રાનગર કોલોનીમાં રહેતા 41 પરિવારોને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ મકાનોમાંથી એક ડઝન મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યા છે.  આ નોટિસને કારણે લોકો ડરી ગયા છે કે તેમનાથી તેમનું મકાન છીનવાઇ જશે. નગર પાલિકાના વકીલ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે, જેમાં આરોપ લગાવાયો છે કે લોકોએ તળાવની જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે. ઇન્દ્રાનગર કોલોનીની કુલ વસ્તી લગભગ બે હજાર છે અને અહીંના લોકો 40 વર્ષથી અહીં વસવાટ કરી રહ્યાં છે. પીડિતોના જણાવ્યા અનુસાર, નગરપાલિકા દ્વારા અહીં રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. પાણીની ટાંકીની સાથે સરકારી નળ અને વીજળી આપવામાં આવી છે. અહીં રહેતા લોકો પાસેથી હાઉસ ટેક્સ અને પાણીનું બિલ પણ વસૂલ કરવામાં આવે છે. હવે અચાનક તેમને મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના કારણે આ લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે.