અંતરિક્ષમાં રચાશે ઈતિહાસ : ભારતના શુભાંશુ શુક્લા મે મહિનામાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે

April 19, 2025

ભારત દેશ અંતરિક્ષ ક્ષેત્રમાં નવી ઉપલબ્ધિ હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ચાર દાયકા બાદ ભારતીય અંતરિક્ષ યાત્રીને મે મહિનામાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવાનો નિર્ણય લેવાયો છે. 

ઈસરોની ભવિષ્યની યોજનાઓની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરિય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મોકલવામાં આવી રહ્યાં છે. તેઓ મે મહિનામાં સ્પેસ સ્ટેશન જવા માટે ઉડાન ભરશે.

કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, મે મહિનામાં ભારતીય અંતરિક્ષ યાત્રી માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મિશન નક્કી છે. ભારત પોતાની અંતરિક્ષ યાત્રામાં એક નિર્ણાયક અધ્યાય લખવા માટે તૈયાર છે. ઈસરો નવી સીમાઓને નિર્ધારિત કરવા સાથે એક ભારતીય અંતરિક્ષ યાત્રીને અંતરિક્ષ મિશનમા મોકલવા માટે તૈયાર છે.

ગગન યાનની તૈયારીઓ, આઈએસએસ મિશન અને ભારતના અંતરિક્ષ સપનાઓ વધુ ઉંચાઈ પર છે. આ મિશનમાં ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ માટે સ્પેસ સ્ટેશન પર જઈ રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, નાસા અને ઈસરો વચ્ચેના કરાર હેઠળ વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરાયા છે.