યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી

April 19, 2025

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સહકારી વિભાગમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ મૃત ભાઈના નામે 26 વર્ષ સુધી નોકરી કરી હતી અને મૃતકની પત્ની પેન્શન લેતી હતી. આ કૌભાંડનો ખુલાસો એક RTI દ્વારા થયો છે. આ કેસનો આરોપી હવે મહાપ્રબંધક પદેથી રિટાયર્ડ થઈ ચૂક્યો છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.  મળતી માહિતી મુજબ, બકેવર પોલીસ સ્ટેશન વિસ્તારના ડારી ખુર્દ ગામના દિનેશ કુમાર શુક્લા 20 એપ્રિલ, 1993માં દિલ્હીના શીલમપુર ફેઝ-3 માં મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષક હતાં. તેમણે સાથે લખનૌમાં લોવર સબ-ઓરર્ડિનેટની પરીક્ષા 1997માં આપી હતી. પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ એડીઓ તરીકે સિલેક્ટ થયા હતા. 25 એપ્રિલ, 1997ના રોજ નિયુક્તિ પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ દરમિયાન મૃતકની પત્ની અનસુયા અને ચોથા નંબરના ભાઈ કૈલાશ નારાયણ શુક્લાની સાથે મળીને ત્રીજા નંબરના ભાઈ નરેશ કુમાર શુક્લએ પોતે સ્વર્ગસ્થ દિનેશ કુમાર શુક્લા બનીને નોકરી કરી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે, મૃતકના બીજા નંબરના ભાઈ મુકેશ કુમાર શુક્લાએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આ વિશે ફરિયાદ કરી હતી.  હાલ, ડીએમે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ, નરેશ કુમાર હાઈકોર્ટ ગયા હતા અને ત્યાંથી સ્ટે ઓર્ડર લાવીને નોકરી કરવા લાગ્યા હતા. હવે, 26 વર્ષની નોકરી બાદ તે રિટાયર્ડ થઈ ગયા છે. બીજી બાજું, બીજા નંબરના ભાઈએ આરટીઆઈ કરીને કૌભાંડને ઉઘાડુ પાડ્યું છે. પોલીસે આ મામલે મૃતકના બે ભાઈઓ અને તેની પત્ની વિરૂદ્ધ કેસ નોંઘ્યો છે.