બલૂચિસ્તાનમાં મુસાફરોથી ભરેલી ગાડી ખીણમાં પડી, 40થી વધુ લોકોના મોત

January 29, 2023

લાસબેલા- રવિવારની રજાનો દિવસ બલુચિસ્તાન માટે જાણે સજાનો દિવસ બની ગયો. બલુચિસ્તાનમાં એવો ભયાનક અકસ્માત થયો કે વાહનમાં સવાર લોકોના જો જીવ ગયા પણ જોનારાઓના પણ જીવ અધ્ધર થઈ ગયાં. બલુચિસ્તાનના લાસબેલામાં, મુસાફરોથી ભરેલું વાહન ખીણમાં પડતાં 39 મુસાફરોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત રવિવારે સવારે થયો હતો. ઘટનાની પુષ્ટિ કરતા લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે જણાવ્યું હતું કે લગભગ 48 મુસાફરોને લઈને વાહન ક્વેટાથી કરાચી જઈ રહ્યું હતું.


મળતી માહિતી મુજબ, લાસબેલા પાસે યુ-ટર્ન લેતી વખતે વધુ સ્પીડના કારણે વાહન પુલના પોલ સાથે અથડાયું હતું. આ પછી કાર ખાડામાં પડી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાહન ખાડામાં પડ્યા બાદ આગ લાગી હતી.


અંજુમે જણાવ્યું કે એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. તેમણે મૃતકોની સંખ્યા વધવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. દરમિયાન, ઈધી ફાઉન્ડેશનના સાદ ઈધીએ જણાવ્યું હતું કે દુર્ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.