યુએઈમાં ભારે વરસાદ બાદ પૂરથી વધુ 3નાં મોત, અરબ દેશોમાં મૃત્યુઆંક વધી 21ને પાર થયો

April 20, 2024

દુબઈ : યુનાઇટેડ આરબ અમીરાતમાં આ સપ્તાહે પડેલા વિક્રમજનક વરસાદના લીધે ભારે પૂર આવતા તેમા ત્રણના મોત નીપજ્યા છે. ફિલિપાઇન્સ ડિપાર્ટમેન્ટ ઓફ માઇગ્રન્ટ વર્કસેના નિવેદનમાં જણાવાયું હતું કે પૂરના લીધે બે મહિલાઓ વાહનની અંદર ગૂંગળાઈને મરી ગઈ હતી અને એક વ્યક્તિ તેની કાર ભૂવામાં ખાબકતા મૃત્યુ પામ્યો હતો. યુએઇમાં અત્યાર સુધી વરસાદ અને પૂરના લીધે કેટલા લોકો મૃત્યુ પામ્યા તેનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. મંગળવારેં દુબઈમાં ૫.૫૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દુબઈની વાર્ષિક સરેરાશ ૩.૭૩ ઇંચની છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વના અત્યંત વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન પામે છે. તે આગામી ૨૪ કલાકમાં રાબેતા મુજબનું થઈ જાય તેમ માનવામાં આવે છે. આરબ દેશોમાં પડેલા ભારે વરસાદના પગલે ભારતથી દુબઈ જતી એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસ જેટની બધી ફ્લાઇટાને  પર અસર પડી છે. આ ફ્લાઇટ્સ ક્યાં તો રદ કરવી પડી છે અથવા તો રિશેડયુલ કરવી પડી છે. એર ઇન્ડિયાએ દુબઈ જતી તેની બધી ફ્લાઇટ રદ કરવી પડી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને યુએઈ વચ્ચે નોંધપાત્ર એરટ્રાફિક રહે છે.