પેરિસમાં હરાજી, નેપોલિયન બોનાપાર્ટની હેટ 17 કરોડ રૂપિયામાં વેચાઈ

November 20, 2023

દુનિયાના સૌથી મહાન સેનાપતિઓમાં સ્થાન પામતા નેપોલિયન બોનાપાર્ટની એક હેટની રવિવારે હરાજી થઈ હતી અને તેના માટે લાગેલી બોલી આંખો પહોળી કરી નાંખે તેવી છે. મળતી વિગતો પ્રમાણે આ હેટ બે મિલિયન યુરો એટલે કે 17 કરોડ રૂપિયા કરતા વધારે રકમમાં વેચાઈ છે. આ પહેલા 2014માં નેપોલિયન બોનાપાર્ટની હેટ માટે 1. 8 મિલિયન યુરોની બોલી લાગી હતી. આ રેકોર્ડ તુટી ગયો છે. રેકોર્ડબ્રેક કિંમતે વેચાયેલી હેટ પર નેપોલિયન બોનાપાર્ટની સહી અને ફ્રાંસના ધ્વજના રંગ છે. ઓક્શન હાઉસે જોકે આ હેટ ખરીદનારનુ નામ જાહેર કર્યા વગર કહ્યુ છે કે, હેટ માટેની હરાજી માટે દુનિયાભરના સંગ્રાહકોએ બોલી લગાવી હતી. આ હેટ પહેલા વ્યવસાયી જીન લુઈ નોઈસિએજ પાસે હતી. જેમનુ ગત વર્ષે નિધન થયુ હતુ. હેટ માટે લાગેલી બોલી અમારા અનુમાન કરતા ચાર ગણી વધારે હતી. આ હેટ નેપોલિયન બોનાપાર્ટની ઈમેજનુ પ્રતિનિધિત્વ કરતી હતી. આ હેટના કારણે નેપોલિયન જ્યાં પણ જાય ત્યાં ઓળખી જતા હતા. યુધ્ધના મેદાનમાં પણ તે આ હેટ પહેરતા હતા. નિષ્ણાત જીન પિયરે ઓસેનટના કહેવા અનુસાર નેપોલિયન મોટાભાગે તેને માથા પર અથવા પોતાના હાથ પર રાખતા હતા. આ સમ્રાટની ઈમેજ સાથે અતુટ રીતે જોડાઈ ગયેલી હેટ હતી.