બનાસકાંઠા: વડગામ માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર

September 21, 2022

બનાસકાંઠા: વડગામ માર્કેટયાર્ડની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં માર્કેટયાર્ડની વર્તમાન પેનલના તમામ ઉમેદવારો વિજેતા બનતા પરિવર્તન પેનલની કારમી હાર થઈ હતી. વર્તમાન પેનલ જીતતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અબીલ ગુલાલ છાંટી વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવી જીતના જશ્નનો વરઘોડો કાઢ્યો હતો.


વડગામ માર્કેટયાર્ડની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી જેમાં ભાજપની વર્તમાન પેનલ અને પરિવર્તન પેનલના 29 ઉમેદવારોએ 14 બેઠકો માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જેમાં 1186 જેટલા મતદાતાઓએ મતદાન કર્યું હતું જેને લઈને આજે ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ હતી. જેનું પરિણામ જાહેર થતા વડગામ માર્કેટયાર્ડની ચૂંટણીમાં વર્તમાન પેનલે મેદાન માર્યું હતું અને વેપારી વિભાગની 4 અને ખેડૂત વિભાગની 10 બેઠકો મળી 14 બેઠક પર વર્તમાન પેનલના 14 સભ્યોની જીત થઈ હતી. જ્યારે પરિવર્તન પેનલની તમામ બેઠકો ઉપર કારમી હાર થઈ હતી.


જોકે વર્તમાન પેનલના ચેરમેન કેસર ચૌધરીએ પોતાની પેનલની જીતને ખેડૂતોની જીત ગણાવી હતી. છેલ્લા દસ વર્ષમાં વડગામ માર્કેટ યાર્ડમાં ખેડૂતલક્ષી નિર્ણયો અને ખેડૂતોને થતા ફાયદાને લઈ ખેડૂતોએ ફરી એકવાર ચેરમેન કેશર ચૌધરી પર વિશ્વાસ મૂક્યો હતો, અને ભવ્ય જીત અપાવી હતી. જેને લઈને તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને તમામ જીતેલા ઉમેદવારોને ફુલહાર પહેરાવી જશ્નનો વરઘોડો નીકાળ્યો હતો.