પરમાણુ હથિયારો એઆઇથી દૂર રાખવા બાઇડેન અને જિનપિંગે હાથ મિલાવ્યા

November 18, 2024

વોશિંગ્ટન: ચીન અને અમેરિકા એકબીજાના કટ્ટર દુશ્મન રહ્યા છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એઆઇના હાથમાં પરમાણુ હથિયારો જતા અટકાવવા માટે સહમત થયા છે. અને કહ્યું છે કે પરિમાણુ હથિયારોના નિર્ણયો માત્ર માનવીએ જ લેવા જોઇએ તેને એઆઇના હાથમાં સોંપવુ સમગ્ર વિશ્વ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે જો બાઇડેન અને શી જિનપિંગ બન્ને નેતાઓએ પરમાણુ હથિયારોના ઉપયોગના નિર્ણયો પર માનવ નિયંત્રણ જાળવી રાખવા પર ભાર મુક્યો હતો. સાથે જ સૈન્ય ક્ષેત્રમાં એઆઇનો ઉપયોગ સતર્ક રહીને કરવા પર પણ ચર્ચા કરી હતી. પ્રથમ વખત અમેરિકા અને ચીને પરમાણુ હથિયારોની સાથે એઆઇને જોડીને આ બન્ને મુદ્દા પર ચર્ચા કરી હતી. જોકે આ મુદ્દાઓને લઇને આગળની રણનીતિ શું રહેશે તે અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદને ડોનાલ્ડ ટ્રમ્પને સોંપવા જઇ રહેલા જો બાઇડેને રાષ્ટ્રપતિ તરીકે ચીનના વડા સાથે અંતિમ મુલાકાત કરી હતી. છેલ્લા સાત મહિનાથી આ બન્ને નેતાઓ વચ્ચે કોઇ જ મુદ્દે બેઠક નહોતી થઇ. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બાઇડેન અને શી જિનપિંગ વચ્ચે ઘણા સમય બાદ આ પ્રથમ મુલાકાત યોજાઇ હતી. પેરુના લીમામાં એશિયા પ્રશાંત આર્થિક સહયોગ (એપેક) સમ્મેલન દરમિયાન આ બેઠક યોજાઇ હતી. અમેરિકામાં હવે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવી રહ્યા છે જેઓ ઘોર ચીન વિરોધી રહ્યા છે. તેથી ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે કેવા સંબંધો રહેશે તેના પર પણ વિશ્વની નજર રહેશે.