જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ વધુ બે બાળકોને ભરખી ગયો

July 24, 2024

જામનગરની સરકારી જીજી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકનું તેમજ લાલપુરના એક બાળકનું ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે મૃત્યું નિપજતાં હોસ્પિટલ વર્તુળમાં ભારે દોડધામ થઈ છે. આ ઉપરાંત અન્ય બે બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકને ગઈકાલે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાયા હોવાથી ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ નિપજ્યું છે. આ ઉપરાંત મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના 11 વર્ષને 8 માસના એક બાળકનું આજે સવારે (બુધવારે) સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે. જામનગર અને લાલપુર આરોગ્ય વિભાગની ટુકડી પણ દોડતી થઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસની બીમારીના કારણે મૃત્યુનો આંક 3 નો થયો છે. અને હાલ 4 બાળ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 
ગુજરાતમાં મંગળવારે (23 જુલાઈ) ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ નોંધાયા હતા. આ સાથે જ શંકાસ્પદ કેસનો આંક વધીને 101 થયો છે. પોઝિટિવ કેસમાં હજુ કોઈ વધારો થયો નથી અને તે હાલ 22 છે. આજે અમદાવાદ કોર્પોરેશન અને ગાંધીનગર ગ્રામ્યમાંથી 1-1ના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરાથી મરણાંક વધીને 38 થયો છે. આરોગ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ એન્કેફેલાઈટિસના પંચમહાલમાં સૌથી વધુ 14, સાબકાંઠામાં 10, અમદાવાદ કોર્પોરેશનમાં 9, અરવલ્લી-ખેડા- મહેસાણા-ગાંધીનગર ગ્રામ્યમાં 6, જામનગર- મોરબી-બનાસકાંઠામાં 5, રાજકોટ ગ્રામ્યમાં 4, ગાંધીનગર કોર્પોરેશન-સુરેન્દ્રનગરમાં 3, છોટા ઉદેપુર-દાહોદ-નર્મદા-વડોદરા કોર્પોરેશન-રાજકોટ કોર્પોરેશનમાં 2 જ્યારે ભાવનગર ગ્રામ્ય-કચ્છ-દેવભૂમિ દ્વારકા-સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે.