ગુજરાત યુનિ.માં કાઉન્સિલ-બોર્ડ બેઠક પેપરલેસ બનશે, સભ્યોને ટેબ્લેટ અપાશે

December 04, 2023

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમન એક્ટના ભાગરૂપે ઘડેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની પ્રથમ બેઠક આગામી તા.8મી ડિસેમ્બરના રોજ મળશે. આ બંન્ને બેઠકમાં હાલની સ્થિતિએ નક્કી થયેલા એજન્ડા મુજબ કાઉન્સિલ અને બોર્ડની બેઠક પેપર લેસ બને તેમજ વર્ચ્યુઅલ પણ બેઠક થઈ શકે એ માટે સભ્યોને ટેબ્લેટ આપવા અંગે નિર્ણય લેવાશે. આ સિવાય યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારીઓની વિવિધ ફરિયાદ સહિતના મુદ્દાઓ, હગામી કર્મચારીઓની ભરતીમાં આઉટ સોર્સ તેમજ HPP કોર્સ અંગે ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એજન્ડા મુજબ યુનિવર્સિટીના રાજયશાસ્ત્રના મહિલા પ્રોફેસરે આજ વિભાગના HOD મુકેશ ખટ્ટીક સામે માનસિક ત્રાસ સહિતની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ વુમન ડેવલપમેન્ટ સેલને તપાસ સોંપાઈ હતી જેનો તપાસ અહેવાલ આવી ગયો છે.

તપાસ અહેવાલને લઈ બેઠકમાં સજા અંગેનો નિર્ણય કરાશે. આ સિવાય ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ વનરાજ ચાવડાની ગેરકાયદે નિયુક્તિ અંગે કરવામાં આવેલી રજૂઆત અંગે પણ ચર્ચા થશે. યુનિવર્સિટીમાં એચપીપી અંતર્ગત ચાલતાં ડિપાર્ટમેન્ટ ઓફ્ એનીમેશન, આઇટી-આઇએણ અને મોબાઇલ એપ્લીકેશનના કો-ઓર્ડિનેટર તરફ્થી આવેલા પત્રો અંગે ચર્ચા-વિચારણા થશે.