જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતા વિનાશ, 46 મૃત્યુ, 200 ગુમ

August 14, 2025

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો સર્જાયા છે. અહીં ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતાં ફ્લેશ ફ્લડ આવ્યું હતું. અચાનક પૂરની સ્થિતિને કારણે લોકો માટે કપરી સ્થિતિ સર્જાઈ હતી. અત્યાર સુધી 46 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં CISFના 2 જવાન પણ સામેલ છે. જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં અનેક લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત છે. આ સિવાય કિશ્તવાડમાં 220થી વધુ લોકો ગુમ છે. તંત્રએ જણાવ્યું છે કે, રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘટનાથી જોડાયેલી અન્ય માહિતી એકત્રિત કરાઈ રહી છે.

આ મામલે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી એક્ટિવ થયા હતા અને તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મચૈલ માતાના મંદિરે યાત્રા ચાલુ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુુુઓની હાજરી હતી જેના કારણે મૃતકાંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં એનડીઆરએફ અને અન્ય બચાવ એજન્સીઓ રાહત અને બચાવની કામગીરી કરી રહી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવા અને પૂરની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ સંકટથી અસરગ્રસ્ત તમામ લોકોની સાથે તેમની સંવેદનાઓ છે. વડાપ્રધાને જણાવ્યું કે, પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો છે કે જરૂરિયાતમંદ લોકોને તમામ સંભવ મદદ કરવામાં આવશે.

કિશ્તવાડમાં હાલની સ્થિતિ અને ચિશોતીમાં વાદળ ફાટવાથી આવેલા પૂરને જોતા કિશ્તવાડમાં પોલીસ અને જિલ્લા તંત્રએ આખા જિલ્લામાં કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક એક્ટિવ કરી દીધા છે. તમામ સબ-ડિવિઝનને હાઇઍલર્ટ પર રખાયા છે. ઇમરજન્સી સ્થિતિથી લડવા માટે વિશેષ પોલીસ ટીમો તૈનાત કરાઈ છે, જે આ સ્થિતિ પર તાત્કાલિક કાર્યવાહી કરશે.