જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટ્તાં ભારે વિનાશ, 10થી વધુના મોત

August 14, 2025

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો સર્જાયા છે. અહીં ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા ફ્લેશ ફ્લડ આવ્યું હતું. અચાનક પૂરની સ્થિતિને કારણે લોકો માટે કપરી સ્થિતિ સર્જાઈ હતી. લગભગ 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

હાલમાં ઘટનાસ્થળે ત્વરિત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીરના રાજૌરી અને મેંઢરમાં પણ આભ ફાટ્યાની સ્થિતિ સામે આવી છે. ઘટનાની જાણકારી મળતાં મંત્રી જિતેન્દ્ર સિંહ પણ એક્ટિવ થયા હતા. તેમણે આ મામલે કહ્યું કે નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. દરેક સંભવ મદદ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરાયા છે. 

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતાં લખ્યું કે ચિશોતી કિશ્તવાડમાં આભ ફાટતાં વ્યથિત છું. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલોના શીઘ્ર સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. સિવિલ, સેના, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓને બચાવ તથા રાહત અભિયાનને ઝડપી કરવા અને દરેક અસરગ્રસ્તોને સંભવ સહાય કરવા નિર્દેશ આપું છું.