ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની ભરપુર આવક,ઉમિયાસાગર ડેમના 14 દરવાજા ખોલાયા

July 24, 2024

જામજોધપુર ગ્રામ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે અને ઉમિયાસાગર ડેમના 14 દરવાજા 2.1 મીટર ખોલવામાં આવ્યા છે, ત્યારે ફુલઝર ડેમના 8 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની મોટી આવક થઈ છે.

ત્યારે જામજોધપુરના વનાણા ગામે આવેલો ડેમ પણ ઓવરફ્લો થયો છે અને કોટડા બાવીસી પાસેથી પસાર થતી વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કડબાલ પાસેથી પસાર થતી નદીમાં પુર આવ્યા છે અને પુરના પાણી આસપાસના ગામડામાં ઘુસી ગયા છે, ગામમાં વરસાદી પાણી ઘુસ્તા જ ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો છે, જેના કારણે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની કુલ જળ સપાટી 115 મીટર છે તો હાલ ડેમ 113 મીટરની જળ સપાટીએ પહોંચ્યો છે. ડેમના 6 દરવાજા ખોલી 6132 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.