ધોધમાર વરસાદના લીધે દુબઇમાં આવ્યું પૂર, પાણી તરતી જોવા મળી ગાડીઓ

November 19, 2023

અમદાવાદ: સંયુક્ત આરબ અમીરાત, જે તેના સુકા રણ માટે જાણીતું છે, ત્યાં વારંવાર એવો ભારે વરસાદ પડે છે કે તેના કારણે ત્યાં પૂર આવે છે. આવું જ એક દ્રશ્ય આ શુક્રવારે ત્યાં જોવા મળ્યું, જ્યારે દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું. આ વરસાદને કારણે લોકોના વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને અહીં-તહીં વહી ગયા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે દુબઈ પોલીસે લોકોને ચેતવણી આપી કે તેઓ પરિસ્થિતિ જોઈને જ પોતાના વાહનો બહાર કાઢે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે સવારે સંયુક્ત આરબ અમીરાતના ઘણા ભાગોમાં અચાનક હવામાન બદલાઈ ગયું અને ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો. વરસાદ એટલો જોરદાર હતો કે થોડી જ વારમાં ત્યાંના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા અને વાહનો પાણીમાં તરવા લાગ્યા. પૂરના વધતા જોખમને જોતા, દુબઈ પોલીસે લોકોને બીચથી દૂર રહેવા અને ઘરની અંદર રહેવાની ચેતવણી આપી છે.

ભારે વરસાદને કારણે ત્યાં રોડ ટ્રાન્સપોર્ટ અને એરક્રાફ્ટ ઓપરેશનને પણ અસર થઈ હતી. ખરાબ હવામાનને કારણે શુક્રવારે ત્યાં પ્લેન સેવાઓ રોકી દેવામાં આવી હતી અને બસો પણ રસ્તાઓ પર દોડી શકી ન હતી.