એપસ્ટિન ફાઈલ્સ: બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન જેવી હસ્તીના ફોટા જાહેર, પીડિતોએ કહ્યું- અડધું સત્ય બહાર આવ્યું

December 20, 2025

અમેરિકાના ન્યાય વિભાગે જેફ્રી એપસ્ટિનના સેક્સ ટ્રાફિકિંગ સંબંધિત કેસનો એક મોટો દસ્તાવેજ જાહેર કરી દીધો છે. આ ખુલાસામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન સહિત અનેક મોટી હસ્તીઓની તસવીરો સામે આવી છે. જોકે અમુક તસવીરો રેડેક્ટ (કાળી કરી દેવાઈ) છે. એપસ્ટિન ફાઈલ જાહેર થયા બાદ ભારતવંશી સાંસદ રૉ ખન્નાએ એટોર્ની જનરલ પામ બોન્ડી વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે. તેમણે આરોપ મૂક્યો કે ન્યાય વિભાગે કાયદો છતાં તમામ ફાઈલો જાહેર ન કરી. આજે જે થયું તેનાથી હું નિરાશ થયો છું.  એક પીડિતાએ દાવો કર્યો હતો કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું નામ પણ એક સિવિલ કેસમાં છે. આ કેસ 2020માં દાખલ ગયો હતો. મહિલાના આરોપ મુજબ હું 13 વર્ષની હતી ત્યારે એપસ્ટિન અને તેની ગર્લફ્રેન્ડે મારી ભરતી કરી હતી. આ મામલે 1994નો હતો. આ લોકોએ મારી મુલાકાત ટ્રમ્પ સાથે કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પીડિતાએ અગાઉ 2021માં પણ જુબાની આપી હતી. આ ઉપરાંત 2016 ના એક અહેવાલ પ્રમાણે અમેરિકાની પાંચ પીડિતાએ કહ્યું હતું કે ટ્રમ્પ અમારા ડ્રેસિંગ રૂમમાં અચાનક ધસી આવ્યા હતા ત્યારે છોકરીઓ કપડા બદલી રહી હતી. તેમાંથી ઘણી છોકરીઓની વય તો માત્ર 15 વર્ષ જ હતી. તેમ છતાં આ કેસમાં ટ્રમ્પ સામે કોઈ ગુનો દાખલ નથી. 
અમેરિકાના ન્યાય વિભાગે દસ્તાવેજ જાહેર કર્યા : કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ ગુનેગાર જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો અમેરિકન ન્યાય વિભાગ (DOJ) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. 'એપસ્ટિન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ' હેઠળ શનિવારે વહેલી સવારે સાર્વજનિક કરાયેલા આ દસ્તાવેજોમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પૉપ આઈકન માઈકલ જેક્સન જેવી હસ્તીઓના નામ અને તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જાહેર કરાયેલા દસ્તાવેજોમાં કેટલીક એવી તસવીરો છે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી.
એક તસવીરમાં પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, એપસ્ટિનની સહયોગી ઘિસ્લેન મેક્સવેલ અને અન્ય એક અજાણી વ્યક્તિ સાથે 'હોટ ટબ'માં આરામ કરતા જોવા મળે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન સહિત પોપ સિંગર માઈકલ જેક્સન, હોલિવૂડ એક્ટર ક્રિસ ટકર, બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ જેવા દિગ્ગજોની પણ તસવીરો આ વખતે એપસ્ટિન ફાઈનલમાં ખુલી છે. કુલ 4 સેટમાં આ દસ્તાવેજો જાહેર કરાયા છે જેમાં કુલ 3500થી વધુ ફાઈલો છે.  અન્ય એક ફોટામાં માઈકલ જેક્સન એપસ્ટિન સાથે એક એવી પેઇન્ટિંગ સામે ઉભેલા દેખાય છે જેમાં નગ્ન મહિલાનું ચિત્ર છે. એક અન્ય તસવીરમાં ક્લિન્ટન અને જેક્સન સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા છે. માહિતી અનુસાર જેફ્રી એપસ્ટિનના રૂમમાં પોપ જોન પોલ સેકન્ડની પણ તસવીર દેખાઈ આવી હતી. આ તસવીર જેફ્રીના રૂમમાં મૂકી રાખવામાં આવી હતી. જ્યારે 7 મહિલાઓના ખોળામાં બ્રિટિશ રાજકુમાર પ્રિન્સ એન્ડ્રુ સૂતેલા દેખાઈ રહ્યા હતા.  અબજોપતિ રિચર્ડ બ્રેન્સનની પણ એક તસવીર સામે આવી છે જેમાં તેઓ જેફરી એપસ્ટિન સાથે દેખાય છે. તેમની સાથે તસવીરમાં પાછળ બે છોકરીઓ ઊભેલી દેખાય છે. 
ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય : ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરમાં પસાર થયેલા કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જે મુજબ 19 ડિસેમ્બર સુધીમાં એપસ્ટિન સાથે જોડાયેલી તમામ મહત્વની માહિતી જાહેર કરવી ફરજિયાત હતી. ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાન્શે જણાવ્યું હતું કે, વિભાગ પાસે લાખો દસ્તાવેજો છે, જેમાંથી એક મોટો હિસ્સો આજે જાહેર કરાયો છે અને આગામી અઠવાડિયામાં વધુ સામગ્રી સામે આવશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ પગલું પીડિતોને ન્યાય અપાવવા અને પારદર્શિતા લાવવા માટે લેવામાં આવ્યું છે.
દસ્તાવેજોમાં ભારે 'રેડાક્શન' (કાળી શાહી) : ન્યાય વિભાગે પીડિતોની ઓળખ સુરક્ષિત રાખવા અને બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રીને રોકવા માટે ઘણા દસ્તાવેજો પર કાળી શાહી ફેરવી દીધી છે (Redacted). આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સાથે જોડાયેલી સંવેદનશીલ વિગતોને પણ ગુપ્ત રાખવામાં આવી છે. તેમ છતાં, કોલ રેકોર્ડ્સ, ગ્રાન્ડ જ્યુરીની જુબાની અને ઈન્ટરવ્યુના ટ્રાન્સક્રિપ્ટ્સ જાહેર થવાથી ઘણા પ્રભાવશાળી લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
એપસ્ટિન અને જેલનો વિવાદ : નોંધનીય છે કે, 2019માં જેફ્રી એપસ્ટિન જેલની કોઠરીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સત્તાવાર રીતે તેને આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેના મૃત્યુના સંજોગોને લઈને આજે પણ અનેક રહસ્યો અકબંધ છે. હવે જાહેર કરાયેલા વિડિયો ક્લિપ્સમાં એપસ્ટિનના મૃત્યુના દિવસે જેલની અંદરની ગતિવિધિઓ પણ દર્શાવવામાં આવી છે, જેમાં અધિકારીઓનો દાવો છે કે કોઈ બહારની વ્યક્તિ તેની કોઠરીમાં પ્રવેશી નહોતી. આ ફાઇલ્સ જાહેર થતાની સાથે જ ન્યાય વિભાગની વેબસાઇટ પર એટલો ટ્રાફિક વધી ગયો હતો કે યુઝર્સે ડિજિટલ કતાર (Waiting Room) માં ઉભા રહેવું પડ્યું હતું. આ ખુલાસાઓએ અમેરિકાના ઉચ્ચ વર્તુળોમાં ચાલતા અનૈતિક સંબંધો પરથી પડદો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.