વડોદરામાં ઈન્ડિયન ઓઈલની રિફાઇનરીમાં પ્રચંડ ધડાકા સાથે આગ

November 11, 2024

વડોદરા : વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં આજે બપોરે પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અહીં બપોરે 1000 કિલો લિટરની બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો,જેના કારણે આસપાસના એક કિલોમીટર સુધીના વિસ્તારમાં અનેક મકાનોના બારી-બારણાં ધણધણી ઉઠ્યા હતા. આ દરમિયાન પ્રચંડ અવાજથી ગભરાઈને અનેક લોકો બહાર દોડી આવ્યા હતા. 
આ આગના કારણે આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં રિફાઇનરીમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડ દસ જેટલા વાહનો તેમજ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, વડોદરા ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા આ ઘટનામાં તેમની કોઈ મદદ લેવામાં આવી નહીં હોવાનું જણાવાયું હતું.


ઘટના બાદ રિફાઇનરીના ફાયર ફાઈટર આગ કાબુમાં લેવાની કવાયત શરૂ કરી હતી. બીજી તરફ નંદેસરી અને અન્ય ફાયર બ્રિગેડને જરૂર પડે તો તૈયાર રહેવા પણ કહેવાયું હતું. ઘટના અંગે ગુજરાત રિફાઇનરી દ્વારા માહિતી આપવામાં આવી છે કે '1000 કિલો લીટરની ક્ષમતા ધરાવતા બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગી હતી. જેની જાણ થતા જ આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ઘટનાને કારણે ગુજરાત રિફાઇનરીની બીજી કામગીરી પર કોઈ અસર થઈ નથી, ફાઈનરીનું કામ રાબેતા મુજબ કાર્યરત છે'. મહત્વનું છે કે મોડી સાંજ સુધી આગ લાગવાના કારણ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.