સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો, લાઈફટાઈમ હાઇ પર પહોંચ્યા રેટ, ચાંદી પણ ચમક્યું

March 21, 2024

ઝવેરી બજારમાં આજે સોનામાં તેજી જોવા મળી છે અને સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો થતા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં આજે સવારના સોદામાં તેજી જોવા મળી હતી.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ 2024માં એક્સપાયરી માટેના સોનાના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ રૂપિયા 66,100 પ્રતિ 10 ગ્રામના ભાવે ખૂલ્યો હતો અને કોમોડિટી માર્કેટ ખુલ્યાની મિનિટોમાં જ ભાવ રૂપિયા 66,778 પ્રતિ 10 ગ્રામની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો હતો. આ ઇન્ટ્રા-ડે હાઈને સ્પર્શતા, MCX સોનાના દર આજે સ્થાનિક બજારમાં ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની તાજેતરની કિંમત 2200 ડોલરની ઉપર છે. હાલમાં સ્પોટ માર્કેટમાં સોનું 2,202 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે.

સોનાની સાથે આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX એક્સચેન્જ પર આજે એટલે કે, ગુરુવારે ચાંદી રૂપિયા 76,492 પ્રતિ કિલોના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. બુધવારે ચાંદીની વૈશ્વિક કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ચાંદીની વાયદા ભાવ 2.79 ટકા અથવા 0.70 ડૉલરના વધારા સાથે 25.81 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી રહી છે. આ સાથે જ ચાંદીનો વૈશ્વિક તાજેતરનો ભાવ ઉછાળા સાથે 25.62 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જણાય છે.

સોનાના ભાવમાં આવેલી આગ ઝરતી તેજી માટે નિષ્ણાતોનું કહેવું છે કે બુધવારે યુએસ ફેડની બેઠક પૂરી થયા બાદ સમગ્ર વિશ્વમાં સોનાના ભાવ વધી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે હજુ પણ ભાવ વધી શકે છે. એમસીએક્સ પર સોનાના ભાવ રૂ. 67,500 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી શકે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2250 ડોલર પ્રતિ ઔંસ સુધી પણ જઈ શકે છે.