હુતી બળવાખોરોએ ભારત આવી રહેલા કાર્ગો જહાજને હાઇજેક કર્યું

November 20, 2023

જેરુસલેમ  : યમનના હુતી વિદ્રોહીઓએ રવિવારે તુર્કીથી ભારત આવી રહેલા જહાજને હાઇજેક કરી લીધું હતું. લાલ સમુદ્રમાં હાઇજેક કરવામાં આવેલા આ કાર્ગો જહાજનું નામ ગેલેક્સી લીડર છે અને તેમાં 25 ક્રૂ મેમ્બર છે.

ઘટના પહેલા હુતી જૂથે ઇઝરાયલના જહાજો પર હુમલાની ચેતવણી આપી હતી. હુતી બળવાખોરોના પ્રવક્તાએ કહ્યું કે ઇઝરાયલ વતી જતા તમામ જહાજોને નિશાન બનાવવામાં આવશે.

જો કે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે આ જહાજ તેમનું નથી અને તેમાં કોઇ ઇઝરાયલ કે ભારતીય નાગરિકો નથી. કતારના મીડિયા હાઉસ અલજઝીરાના જણાવ્યા અનુસાર આ કાર્ગો જહાજ બ્રિટનનું છે અને જાપાનની કંપની તેને ઓપરેટ કરે છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અનુસાર, બહામાસના ધ્વજ નીચે સફર કરતું જહાજ એક બ્રિટિશ કંપનીના નામે નોંધાયેલું છે. ઇઝરાયલના ઉદ્યોગપતિ અબ્રાહમ ઉંગર તેનો આંશિક ભાગીદીર છે. હાલમાં તે જાપાનની કંપનીને લીઝ પર આપવામાં આવ્યું હતું.

ઇઝરાયલના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર જહાજમાં યુક્રેન, બલ્ગેરિયા, ફિલિપાઇન્સ અને મેક્સિકોના નાગરિકો સવાર છે. તેમજ, ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે તેને આતંકવાદી ઘટના ગણાવી અને તેના માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું.

હુતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ કહ્યું છે કે તેઓ જહાજ પરના તમામ બંધકોને ઇસ્લામિક સિદ્ધાંતો અને પદ્ધતિઓ સાથે સંભાળી રહ્યા છે. તેઓએ ફરીથી લાલ સમુદ્રમાં ઇઝરાયલના જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી છે.

ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ તેને ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જહાજ પર હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ ઈરાન તરફથી આતંકવાદનું બીજું કૃત્ય છે. મુક્ત વિશ્વના લોકો પર આ એક મોટો હુમલો છે. આ સિવાય તે વિશ્વની શિપિંગ લાઇનને પણ અસર કરે છે. જેના કારણે આ માર્ગની સલામતી અંગે ચિંતા સ્વાભાવિક છે.

હુમલા પહેલા, ઈરાન સમર્થિત હુથી પ્રવક્તા યાહ્યા સરિયાએ તેમની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે ગ્રુપ ઇઝરાયલની કંપનીઓની માલિકીના અથવા સંચાલિત અથવા ઇઝરાયલના ધ્વજ હેઠળના તમામ જહાજોને નિશાન બનાવશે.