બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ તાબડતોબ એક્શન, 7 આરોપીઓની ધરપકડ

December 20, 2025

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાનો દોર શરૂ થઈ ગયો છે. ગઇકાલે મૈમન સિંહ જિલ્લામાં એક હિન્દુ યુવકને ક્રૂરતાપૂર્વક માર મારી મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યો હતો. હવે આ મામલે તાબડતોબ એક્શન લેવાતા સાત લોકોની ધરપકડ કરી લેવામાં આવ્યાની માહિતી સામે આવી છે.  મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસની સરકારે શનિવારે જણાવ્યું કે રેપિડ એક્શન બટાલિયને મૈમન સિંહના બાલુકામાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા મામલે શંકાસ્પદોને પકડી પાડ્યા છે. આ મામલે સાત શંકાસ્પદ પકડાયા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ લિમોન સરકાર (19), મોહમ્મદ તારિક હુસેન (19), મોહમ્મદ માનિક મિયા (20), ઈરશાદ અલી (39), નિજામુદ્દીન(20), આલમગીર હુસેન (38) અને મોહમ્મદ મિરાજ હુસેન (46) તરીકે થઇ હતી. યુનુસે કહ્યું કે આ ધરપકડ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે આરએબી યુનિટ દ્વારા દરોડાની કાર્યવાહી દરમિયાન કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યારે દરોડાની કાર્યવાહીમાં આ શંકાસ્પદોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન બાંગ્લાદેશના એક મુખ્ય યુવા નેતાનો મૃતદેહ શુક્રવારે સિંગાપોરથી ઢાકા લાવવામાં આવતા વચગાળાની સરકારે નાગરિકોને અમુક સામાજિક તત્વો દ્વારા કરાયેલી હિંસાથી દૂર રહેવા આહ્વાન કર્યું હતું. યુવા નેતા શરીફ ઉસ્માન હાદીને છ દિવસ પહેલા ગોળી મારવામાં આવી હતી. તે જુલાઈમાં સરકાર વિરુદ્ધ થયેલા હિંસા દેખાવોનો એક મુખ્ય ચહેરો હતો.