ઈમરાન ખાન અસહયોગ આંદોલન શરૂ કરશે, પાકિસ્તાનમાં સ્થિતિ બગડશે!

December 06, 2024

દિલ્હી : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ગયા મહિને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિને લઈને જોરદાર પ્રદર્શન થયા. રાજધાની કૂચ કરવાના એલાન બાદ ઈમરાન ખાનના સમર્થકોને રોકવા માટે તંત્રએ પૂરું જોર લગાવી દીધું. ઉગ્ર પ્રદર્શનથી ગભરાયેલી સરકારે સેના પણ ઉતારી દીધી હતી. વિરોધ પ્રદર્શનોમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. હવે ઈમરાન ખાન હિંસા છોડીને અન્ય રસ્તા તરફ વળતાં નજર આવી રહ્યાં છે. ઈમરાન ખાને ગુરુવારે જેલથી એક મેસેજ જાહેર કરીને અસહયોગ આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે.
ગુરુવારે ઈમરાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે દેશમાં તાનાશાહી થઈ ગઈ છે. ઈમરાન ખાને પોતાના સમર્થકોથી 13 ડિસેમ્બરે ખૈબર પખ્તૂનખ્વાની રાજધાની પેશાવરમાં જમા થવા માટે કહ્યું છે જ્યાં હાલ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીની સરકાર છે. તેમણે સરકારની સામે બે માગ મૂકી છે અને કહ્યું છે કે જો આ માગોને માનવામાં ન આવી તો તે નવું આંદોલન શરૂ કરશે.


ઈમરાન ખાને લખ્યું, 'દેશમાં તાનાશાહી થઈ ગઈ છે. નિર્દોષ રાજકીય કાર્યકર્તાઓને ગોળી મારી દેવાઈ છે અને શાંતિપૂર્ણ રાજકીય કાર્યકર્તા શહીદ થઈ ગયા છે. અમારા સેંકડો કાર્યકર્તા લાપતા છે. સુપ્રીમ કોર્ટે હવે આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ અને પોતાની કાયદેસર ભૂમિકા નિભાવી જોઈએ. અમે માનવાધિકારના ઉલ્લંઘન બદલ સુપ્રીમ કોર્ટ, લાહોર હાઈકોર્ટ અને ઈસ્લામાબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો પરંતુ કોર્ટે કોઈ કાર્યવાહી કરી નથી અને દેશ આ સ્થિતિમાં પહોંચી ગયો છે. અમે 13 ડિસેમ્બરે પેશાવરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક ભવ્ય સભા આયોજિત કરીશું. તેમાં વિપક્ષી રાજકીય દળોને સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવશે. તેમણે વિરોધ પ્રદર્શન પર થયેલી કાર્યવાહીની કાયદેસર તપાસની માગ કરી. તેમણે તમામ ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓને મુક્ત કરવાની પણ માગ કરી છે. ઈમરાન ખાને કહ્યું, 'જો આ બંને માગ પૂરી ન કરવામાં આવી તો 14 ડિસેમ્બરે અસહયોગ આંદોલન શરૂ થશે અને કોઈ પણ પરિણામ માટે સરકાર જવાબદાર હશે.


ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનના ગયા વર્ષના અંતથી જેલમાં છે. તેમનું અને તેમની પાર્ટીનું કહેવું છે કે 2022માં પદથી હટ્યા પહેલા સેનાના જનરલોની સાથે તેમના મતભેદ બાદ સેનાના ઈશારા પર તેમને રાજકારણથી દૂર રાખવા માટે ખોટા મામલા બનાવ્યા હતા. જોકે સેનાએ આ આરોપોથી ઈનકાર કર્યો છે.