ગાઝામાં ભૂખમરાનુ સંકટ, ફૂડ પેકેટ મેળવવા માટે લોકો જીવની પરવા કર્યા વગર દરિયામાં કૂદી પડયા

February 28, 2024

ગાઝા: ગાઝામાં ઈઝરાયેલ દ્વારા છેલ્લા પાંચ મહિનાથી હુમલા થઈ રહ્યા છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગમાં અત્યાર સુધીમાં 29000 લોકોના મોત થયા હોવાનો દાવો પેલેસ્ટાઈનની સરકારે કર્યો છે. બીજી તરફ ગાઝામાં ભૂખમરાની સ્થિત છે. એટલે સુધી કે વિમાનો દ્વારા ફેંકવામાં આવતા ફૂડ પેકેટ અને રાહત સામગ્રી મેળવવા માટે લોકો જીવના જોખમે દરિયામાં કુદી રહ્યા છે. એક તરફ ગાઝામાં હજારો ઈમારતો ધ્વસ્ત થઈ ચુકી હોવાથી લોકો રાહત કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે અને બીજી તરફ ભૂખમરાનુ સંકટ લોકોને ગમે તે હદે જવા માટે મજબૂર કરી રહ્યુ છે. તાજેતરમાં જ ગાઝાનો એક વિડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, એક વિમાન થકી ગાઝા પર ફૂડ પેકેટ ફેકવામાં આવ્યા હતા. જોકે કેટલીક સામગ્રી દરિયામાં પડી હતી અને તે મેળવવા માટે કેટલાક લોકો જીવની પરવા કર્યા વગર દરિયામાં કુદી પડયા હતા.
વિડિયોમાં નજરે પડે છે કે, કિનારા પર જે ફૂડ પેકેટો પડે છે તે મેળવવા માટે પણ લૂંટફાટ મચી જાય છે અને દરમિયાન કેટલાક લોકો ટોળાને વિખેરવા માટે ચાબૂક પણ ચલાવતા નજરે પડે છે. ગાઝામાં મદદ પહોંચાડવા માટે બીજા દેશોને મુશ્કેલી પડી રહી છે. કારણકે ગાઝામાં પ્રવેશવાના મોટાભાગના રસ્તાનો કબ્જો ઈઝરાયેલ પાસે છે. આમ છતા કેટલાક આરબ દેશો ગમે તેમ કરીને રાહત સામગ્રીને ગાઝા સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.