ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા આતંકી સંગઠન જાહેર

January 31, 2023

યુએન: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ખતરનાક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા (આઇએસઆઇએલ-એસઇએ)ને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યો છે. સુરક્ષા પરિષદની ૧૨૬૭ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવાંત એન્ડ અલ કાયદા સેકશન કમિટીએ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયાને ગયા સપ્તાહમાં પોતાની આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કર્યુ હતું. આ યાદીમાં સામેલ કર્યા પછી વૈશ્વિક આતંકવાદી સંગઠનની સંપત્તિ ફ્રીઝ કરવાની સાથે જ સંગઠનના લોકોની યાત્રા પર અને લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આઇએસઆઇએલ-એસઇએ સંગઠનને ઇસ્લામિક સ્ટેટ ઇસ્ટ એશિયા ડિવિઝન અને દોલતુલ ઇસ્લામિયાહ વલિયાતુલ મશરિકના નામે પણ ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટ અનુસાર આઇસીઆઇએલ-એસઇએની રચના જૂન ૨૦૧૬માં ઇસ્નિલોન હેપિલોન દ્વારા કરવામાં આવી હતી. આ ઇરાક અને લેવેટમાં ઇસ્લામિક સ્ટેટથી જોડાયેલ છે. ઉલ્લેખનીય છે કે હેપિલોન આઇએસઆઇએલથી સંબધિત જૂથ અબુ સય્યફનો નેતા હતો. વર્ષ ૨૦૧૭માં તેને ઠાર મારવામાં આવ્યો હતો. સુરક્ષા પરિષદની ૧૨૬૭ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવાંત એન્ડ અલ કાયદા સેકશન કમિટીમાં સુરક્ષા પરિષદના તમામ ૧૫ સભ્યો સામેલ છે.