ઇઝરાયેલનો વળતો પ્રહાર: ઇરાન પર મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યો

April 20, 2024

ઇરાને ઇઝરાયેલ પર ગત 13 એપ્રિલની રાતે 300થી વધુ મિસાઇલો અને ડ્રોનથી કરેલા હુમલાનો વળતો જવાબ આપતા ઇઝરાયેલે પણ મિસાઇલ હુમલા કર્યા છે. ઇરાનના ઇસ્ફાહાન શહેરના એરપોર્ટ પર પણ પ્રચંડ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. જોકે આ વિસ્ફોટના કારણનો હજુ સુધી ખુલાસો થયો નથી. ઇઝરાયેલે ઇરાનની સાથોસાથ ઇરાક અને સીરિયાને પણ નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા છે. ઇરાકની રાજધાની બગદાદમાં ઇરાન સમર્થિત ગ્રુપ્સ અને

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના સભ્યોની જ્યાં હાઇ લેવલ મિટિંગ ચાલી રહી હતી તે બિલ્ડિંગને નિશાન બનાવી એર સ્ટ્રાઇક કરાઈ હોવાના અહેવાલ છે જ્યારે સીરિયાના અસ-સુવેદા અને દારા પ્રાંતોમાં ઇઝરાયેલે સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. અમેરિકી મીડિયાના અહેવાલો અનુસાર ઇરાનના હવાઈ ક્ષેત્રમાં ઘણી ફ્લાઇટ્સના રૂટ બદલી દેવાયા હતા. ઇઝરાયેલના હુમલા પૂર્વે ઇરાનના વિદેશપ્રધાને યુએનમાં ઇઝરાયેલને ધમકી આપતા કહ્યું હતું કે ઇઝરાયેલે ગંભીર પરિણામ ભોગવવા પડશે. તેમણે વૈશ્વિક સમુદાયને ઇઝરાયેલને રોકવા અપીલ કરી હતી.

ઇરાનની ન્યૂક્લિયર સાઇટ પર ત્રણ મિસાઇલ ત્રાટકી હોવાના પણ સમાચાર છે. દરમિયાન, IRGCએ તેના તમામ સૈન્ય મથકો માટે હાઇ એલર્ટ જારી કરી એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવેટ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ઇરાનના ઘણા પરમાણુ મથકો ઇસ્ફાહાન પ્રાંતમાં જ આવેલા છે. ઇરાનમાં યુરેનિયમ સંવર્ધનનું મુખ્ય કેન્દ્ર પણ ત્યાં જ સ્થિત છે.