'લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત...', ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન

December 17, 2025

પીએમ મોદીએ પોતાની ઇથિયોપિયા મુલાકાતના બીજા દિવસે ત્યાંની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારત અને ઇથિયોપિયા વચ્ચેના ગાઢ સંબંધો, સમાન સંસ્કૃતિ અને લોકશાહી મૂલ્યો પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરુઆતમાં ઇથિયોપિયાને 'સિંહોની ધરતી' કહીને નવાજ્યું હતું. તેમણે ભાવુક થતાં કહ્યું કે, 'ઇથિયોપિયા આવીને મને મારા ઘર જેવું જ અનુભવાય છે, કારણ કે મારું ગૃહ રાજ્ય ગુજરાત પણ વિશ્વભરમાં 'સિંહોની ધરતી' તરીકે ઓળખાય છે.' આ રીતે તેમણે બંને દેશો વચ્ચે ભૌગોલિક અને સાંસ્કૃતિક સમાનતા દર્શાવી હતી. પીએમ મોદીએ બંને દેશોના રાષ્ટ્રભક્તિના ગીતો વચ્ચેની સમાનતા વિશે વાત કરતાં જણાવ્યું કે, 'ભારતનું રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' અને ઇથિયોપિયાનું રાષ્ટ્રગીત બંને માતૃભૂમિને 'માતા' તરીકે સંબોધિત કરે છે. આ ગીતો આપણને આપણો વારસો, સંસ્કૃતિ અને સુંદરતા પર ગૌરવ કરવાનું શીખવે છે અને માતૃભૂમિની રક્ષા માટે પ્રેરિત કરે છે.' મંગળવારે પીએમ મોદીને ઇથિયોપિયાના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રેટ ઓનર નિશાન ઑફ ઇથિયોપિયા'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અંગે સંસદમાં પીએમ મોદીએ કહ્યું કે, 'આ મારું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ ભારતના 140 કરોડ ભારતીયોનું સન્માન છે. હું આ સન્માનને નમ્રતાપૂર્વક સ્વીકારું છું.'