રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મોટું એલાન, 'આવતીકાલથી પ્રતિક ઉપવાસ આંદોલન

April 19, 2024

અમદાવાદ : અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. બેટકમાં રમજુબા, કરણસિંહ ચાવડા, તૃપ્તીબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. આજે ક્ષત્રિય સમાજ દ્વારા અપાયેલું અલ્ટિમેટમ પૂર્ણ થયું છે. ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રૂપાલા સામે વધુ એક આંદોલનની જાહેરાત કરાઈ છે. ક્ષત્રિયોનો રોષ હજુ પણ યથાવત્ છે અને તેઓ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં છે.

અમદાવાદમાં બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સમિતિએ આગામી રણનીતિ અને આંદોલન અંગે માહિતી આપી છે. સમિતિએ તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની અને પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. સમિતિએ કહ્યું કે, 'રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. રૂપાલાના વિરોધમાં પાંચ ઝોનમાં પાંચ 'ધર્મ રથ' કાઢવામાં આવશે. સંઘર્ષ લાંબો હોવાથી લીગલ ટીમ પણ બનાવવામાં આવશે.' રૂપાલાને હરાવવાનો ક્ષત્રિય સમાજે કર્યો દાવો રાજકોટ બેઠક પર વિરોધ કરવા માટે ખાસ કમિટી બનાવી છે. પરશોત્તમ રૂપાલાને 100 ટકા હરાવવામાં આવશે. 5 લાખની લીડથી જીતની વાત ભાજપ ભૂલી જાય. ગુજરાતમાં ભાજપને બોયકોટ કરવામાં આવશે.'