ઈસ્લામાબાદમાં SCO સમિટ માટે લૉકડાઉન જેવી પરિસ્થિતિ, ત્રણ દિવસ રજાઓ

October 15, 2024

ઈસ્લામાબાદ- SCO સમિટ માટે પાકિસ્તાને ઓગસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલ્યુ હતુ પરંતુ બંને દેશોની વચ્ચે ખરાબ સંબંધોના કારણે વિદેશ મંત્રી એસ.જયશંકર આ બેઠકમાં સામેલ થશે. જયશંકર ત્યાં લગભગ 24 કલાક પસાર કરશે. વિદેશ મંત્રી પાકિસ્તાન જતા પહેલા જ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ત્યાં જવાનો હેતુ માત્ર SCOની બેઠક છે, બંને દેશોના સંબંધો પર કોઈ પણ વાતચીત થશે નહીં. 
ભારત સિવાય રશિયા અને ચીન સહિત 10 દેશોના પ્રતિનિધિ પણ SCOની બેઠકમાં સામેલ થશે. તેને ધ્યાનમાં રાખતાં સુરક્ષા વ્યવસ્થાને કારણે ઈસ્લામાબાદમાં લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. સાથે જ સમગ્ર શહેરમાં 3 દિવસ માટે રજાની જાહેરાત કરી દેવાઈ છે.
વિદેશ મંત્રી જયશંકર 8 વર્ષ 10 મહિના બાદ પાકિસ્તાન જનાર ભારતના પહેલા નેતા છે. એટલા માટે પણ આ પ્રવાસ ખાસ છે. તેમના પહેલા 25 ડિસેમ્બર 2015એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. ત્યારે પીએમ મોદી એક સરપ્રાઈઝ વિજિટ પર લાહોર પહોંચ્યા હતા. તેમણે પાકિસ્તાનના PM નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. તેમના આ પ્રવાસ બાદથી ભારતના કોઈ પણ વડાપ્રધાન કે મંત્રીએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. મોદીના પ્રવાસના એક વર્ષ બાદ જ 2016 4 આતંકી ઉરીમાં ભારતીય સેનાના બ્રિગેડ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા હતા. આ હુમલામાં ભારતીય સેનાના 19 જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારથી બંને દેશોના સંબંધોમાં તણાવ વધી ગયો હતો. 2019માં જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટ્યા બાદ બંને દેશોની વચ્ચે સંબંધો વધુ ખરાબ થઈ ગયા. જોકે આ બધું છતાં ગયા વર્ષે ગોવામાં SCO દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન તત્કાલીન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવ્યા હતા.


રશિયાને ડર હતો કે ચીન પોતાની સરહદથી અડેલા સોવિયત યુનિયનના સભ્ય રહેલા નાના-નાના દેશોની જમીનો પર કબ્જો ન કરી લે. દરમિયાન રશિયાએ 1996માં ચીન અને પૂર્વ સોવિયત દેશોની સાથે મળીને એક સંગઠન બનાવ્યુ. તેનું એલાન ચીનના શાંઘાઈ શહેરમાં થયુ, તેથી સંગઠનનું નામ શાંઘાઈ ફાઈવ રાખવામાં આવ્યુ. શરૂઆતમાં આ સંગઠનના 5 સભ્ય દેશોમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન સામેલ હતા. જ્યારે આ દેશોની વચ્ચે સરહદ વિવાદ ઉકેલાઈ ગયો તો આને એક આંતરરાષ્ટ્રીય સંગઠનનું રૂપ આપવામાં આવ્યુ. 


2001માં આ પાંચ દેશોની સાથે વધુ એક દેશ ઉઝ્બેકિસ્તાને જોડાવાનું એલાન કર્યું, જે બાદ તેને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે SCO નામ આપવામાં આવ્યુ. આ દરમિયાન ચીને પાકિસ્તાનને આ સંગઠનનો સભ્ય બનાવવાની ઝુંબેશ શરૂ કરી દીધી. તેનાથી રશિયાને સંગઠનમાં ચીનના વધતા દબદબાથી ડર લાગવા લાગ્યો. ત્યારે રશિયાએ ભારતને પણ આ સંગઠનમાં સામેલ થવાની સલાહ આપી છે.