ભારત દેશમાં 84 લાખ વોટ્સએપ એકાઉન્ટ બેન કરાયા

October 15, 2024

દિલ્હી : દેશના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ વોટ્સએપે દેશના આશરે 84 લાખ એકાઉન્ટ બેન કરી દીધા છે. વોટ્સએપની મૂળ કંપની મેટાએ ફક્ત એક મહિનામાં જ આ કાર્યવાહી કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે, તેમના પ્લેટફૉર્મનો ઉપયોગ સ્કેમ માટે કરવામાં આવી રહ્યો હતો, જેથી કરીને કંપનીએ આ શંકાસ્પદ એકાઉન્ટ બેન કરી દીધા છે. વોટ્સએપને ઘણા યુઝર્સે આ પ્રકારના સ્કેમની જાણકારી આપી હતી અને પ્લેટફૉર્મ પર આ પ્રકારની ફરિયાદ મળી રહી હતી.


કંપનીની તરફથી રજૂ કરવામાં આવેલા ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, યુઝરની સુરક્ષા માટે મેટાએ આશરે 84,58,000 વોટ્સએપ એકાઉન્ટ બેન કરી દીધા છે. આ કાર્યવાહી માહિતી ટૅકનોલૉજી કાયદાની કલમ 4(1)(d) અને 3A(7) નું પાલન કરવા માટે કરવામાં આવી છે. સતત મળી રહેલી ફરિયાદો બાદ વોટ્સએપે દેખરેખ વધારી દીધી હતી અને જે ખાતા શંકાસ્પદ જણાયા, તેને કંપનીએ બેન કરી દીધા છે. કંપની રિપોર્ટ મુજબ જાણવા મળ્યું કે, મેટાએ 1થી 31 ઑગસ્ટની વચ્ચે આ તમામ એકાઉન્ટ બેન કરી દીધા છે. તેમાંથી 16.61 લાખ એકાઉન્ટને તાત્કાલિક બંધ કરી દેવાયા હતા, જો કે બાકીનાની તપાસ બાદ શંકાસ્પદ જણાતાં બેન કરવામાં આવ્યા. કંપનીએ 16 લાખથી વધારે એકાઉન્ટને યુઝરની ફરિયાદ વિના જ બંધ કરી દીધા, કારણકે દેખરેખ દરમિયાન તેમના ખોટા ઉપયોગની વાત સામે આવી હતી.


રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, કંપનીને ઑગસ્ટ, 2024માં યુઝર તરફથી 10,707 ફરિયાદ મળી હતી. તેમાંથી કંપનીને 93 સામે કડક પગલાં લીધા હતા. આ સિવાય ઈમેલ અને અન્ય માધ્યમોથી મળેલી ફરિયાદોની પણ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી. કંપનીનું કહેવું છે કે, તેમાંથી મોટાભાગના એકાઉન્ટ સ્કેમ અને શોષણ સાથેની ફરિયાદના હતા.