ન્યૂયોર્કમાં ટ્રમ્પ પર ભારે પડ્યા મમદાની! શહેરને પહેલા મુસ્લિમ મેયર મળે તેવી શક્યતા, જાણો કોની સાથે છે ટક્કર

November 03, 2025

અમેરિકાના ન્યૂયોર્કમાં 4 નવેમ્બરે મંગળવારના રોજ યોજાનારી મેયરની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. તમામના મનમાં એક જ સવાલ છે કે, શું ચૂંટણી જીતવાની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા ભારતીય મૂળના જોહરાન મમદાની એક ઈતિહાસ રચશે કે કેમ?  આ ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો છે- એક યુવા વામપંથી નેતા, આરોપી પૂર્વ ગર્વનર અને એક રિપબ્લિકન નેતા (જેને લોકો બહારનો વ્યક્તિ ગણી અવગણી રહ્યા છે).
આવો જાણીએ મેયરની ચૂંટણીની રેસમાં સામેલ ત્રણ નેતાઓ વિશે...
1. જોહરાન મમદાનીઃ રેસમાં અગ્રેસર - જોહરાન મમદાની ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે, તેઓએ જૂનમાં પાર્ટીની પ્રાથમિક ચૂંટણીમાં ચોંકાવનારી જીત મેળવી હતી. તેની પહેલાં તેમને ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. પરંતુ આજે તે મેયર બનવા માટે સૌથી પ્રબળ ઉમેદવાર છે. યુગાંન્ડામાં જન્મેલા 34 વર્ષીય મમદાની ભારતીય -અમેરિકન ફિલ્મ ડાયરેક્ટર મીરાં નાયર અને યુગાન્ડાના ભારતીય મૂળના માર્ક્સવાદી વિદ્વાન મહમૂદ મમદાનીના પુત્ર છે. તે 7 વર્ષની વયથી અમેરિકામાં રહે છે. અને 2018માં અમેરિકાની સિટીઝનશીપ મેળવી હતી. ચૂંટણી જીત્યા બાદ તે ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ મેયર બનશે. મમદાની ન્યૂયોર્કના યુવા અને ઈમિગ્રન્ટ્સ મતદારો વચ્ચે મજબૂત પ્રભાવ ધરાવે છે. 85 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં વધતી મોંઘવારીને તેમણે પોતાના ચૂંટણી અભિયાનનો મુખ્ય મુદ્દો બનાવ્યો છે. તેમણે ઘર ભાડું ઘટાડવા, બસ અને ડે કેરની સુવિધા મફત કરવા અને સરકારી કિરાણા સ્ટોર્સનું વચન આપ્યું છે. ટ્રમ્પે મમદાનીને લીટલ કોમ્યુનિસ્ટ કહ્યા હતાં.
2. એન્ડ્ર્યુ કુઓમોઃ આરોપીની ખરડાયેલી છબીવાળા પૂર્વ ગવર્નર - ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રયુ કુઓમો પણ આ રેસમાં સામેલ છે. તેમની છબિમાં ધબ્બો પડ્યો છે. યૌન ઉત્પીડનના આરોપોના કારણે 2021માં તેમણે રાજીનામું આપવાની ફરજ પડી હતી. 67 વર્ષીય ડેમોક્રેટ નેતા કુઓમો અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. તેમણે ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં 5,000 નવા પોલીસ અધિકારીઓની નિમણૂક કરવાનું વચન આપી ચૂંટણી અભિયાનમાં જાહેર સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું છે.

3. કર્ટિસ સ્લિવાઃ બાહ્ય વ્યક્તિ કહી અવગણના - 71 વર્ષીય કર્ટિસ સ્લિવા આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના ઉમેદવાર છે, તેમની મેયર બનવાની સંભાવના ઝીરો જણાઈ રહી છે. જો કે, તેમની વોટ બેન્ક અન્ય બે નેતાઓની વોટ બેન્કને તોડી પાડવા સક્ષમ છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર સ્લિવા ટ્રમ્પના સમર્થક નથી, તેમણે અમેરિકાની તાજેતરની ઈમિગ્રેશન પોલિસીના અમુક નિયમોનો વિરોધ કર્યો છે. તેઓ રોજિંદા ખર્ચમાં ઘટાડો, નોકરશાહી ખતમ કરવા તેમજ જાહેર સ્થળો પર સુરક્ષા વધારવાની સાથે બેઘરો અને પશુ કલ્યાણ માટે સમર્થન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સ્લિવા પોતાના ઘરમાં 16 બિલાડી રાખે છે.