હવામાન વિભાગની આગાહી: 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ

April 05, 2025

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હીટવેવની આગાહી કરી છે. જેમાં 6-7 એપ્રિલ, 2025ના રોજ કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, હવામાન વિભાગે આગામી 9 એપ્રિલ સુધી ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ભુજમાં આજે શનિવારે 44.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે.

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 9 જિલ્લામાં રેડ, યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવામાન વિભાગે આવતીકાલે રવિવારે (6 એપ્રિલ, 2025) અને 7 એપ્રિલના રોજ કચ્છ જિલ્લા હીટવેવનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં યલો ઍલર્ટ અને મોરબી અને રાજકોટ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, 8-9 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બંને દિવસે કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 10-11 એપ્રિલના રોજ શુષ્ક હવામાનની આગાહી છે. 

રાજ્યના વિવિધ સ્થળોએ આજે સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજમાં 44.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, ડીસામાં 42.1 ડિગ્રી, કંડલા ઍરપોર્ટમાં 42 ડિગ્રી, અમદાવાદામાં 41.3 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, અમરેલીમાં 41.1 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.