અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં આગલાગી, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભાગદોડ

April 08, 2025

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં એશિયાટિક સિંહોનો વસવાટ છે.  ત્યારે અમરેલીના નજીક આવેલા રાજુલાના રામપરા ગામ પાસે ટોરેન્ટ વિસ્તારમાં વિકરાળ લાગી છે. સિંહોના વિસ્તારમાં આગ લાગતાં વન્યપ્રાણીઓમાં ભાગદોડ મચી શકે છે. બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ લાગતાં વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પીપાવાવ પોર્ટ સિન્ટેક્ષ આસપાસની 4થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. 

આ વિસ્તારમાં સિંહ, હરણ, દીપડા સહિતના નાના-મોટા વન્યપ્રાણીઓનો વસવાટ હોવાથી વન વિભાગ ચિંતામાં મૂકાયો છે.  સિંહોનો સૌથી વધુ વસવાટ ટોરેન્ટ વિસ્તારમાં છે. વનવિભાગના IFS ફતેહ સિંહ મીણા સહીત વનવિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે હાજર છે. 

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાજુલાના રામપરા ગામે આવેલી 800 વીઘામાં આગ લાગી હતી. આ આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. 

આ જમીન પડતર હોવાથી અહીં મહાકાય બાવળનું જંગલ ઉભું થઇ ગયું છે. એક તરફ 40 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી તો બીજી તરફ આગ લાગતાં વન્યજીવોને ખતરો ઉભો થયો છે.