કોંગ્રેસે જ ED બનાવી અને પોતે જ પરેશાન: રાહુલ ગાંધી પર ચાર્જશીટ મુદ્દે અખિલેશ યાદવનું નિવેદન

April 16, 2025

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે રાહુલ અને સોનિયા ગાંધી સંબંધિત ચાર્જશીટ કેસ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'કોંગ્રેસે ED બનાવ્યું હતું અને આજે EDના કારણે તેઓ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ED જેવા વિભાગને ખતમ કરી દેવા જોઈએ' ઓડિશાના ભુવનેશ્વર ખાતે પહોંચેલા અખિલેશ યાદવે કહ્યું કે, 'આમ તો હું ઘણીવાર ઓડિશા આવી ચૂક્યો છું, પરંતુ હમણાં ઘણા સમય પછી આવવાનું થયું છે. સમાજવાદી પાર્ટીની કોશિશ છે કે, ઓડિશામાં પાર્ટી બને અને તેને આગળ વધારવામાં આવે.' અખિલેશ યાદવે બુધવારે ઇટાવાના ચંબલના કોતરોમાં મોટા પાયે ગેરકાયદેસર ખાણકામ અને પર્યાવરણીય વિનાશનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓ પર આખે આખા પહાડો ગાયબ કરવામાં મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કડક શબ્દોમાં લખવામાં આવેલી પોસ્ટમાં યાદવે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, 'શું ઇટાવામાં સુમેર સિંહ કિલ્લા નજીકના નાના- મોટા પહાડો શું નાના- મોટા અધિકારીઓ સાથે બસ્તી-ગોરખપુરમાં ટ્રાન્સફર કરી દીધા છે?' અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે, 'નવા અધિકારીઓ આવશે અને જશે, પરંતુ અધિકારીઓની મિલીભગત અને ભ્રષ્ટાચારના પાવડાથી કાપીને ગુમ કરવામાં આવેલા તેમજ ભાગલા પાડીને ગાયબ કરવામાં આવેલા ચંબલના કોતરોના પહાડો કેવી રીતે પાછા આવશે?'