'વક્ફ કાયદો મુસ્લિમોના ઉત્તરાધિકારનું ઉલ્લંઘન કરે છે...' સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલની દલીલ

April 16, 2025

નવા વકફ કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. કોર્ટમાં 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી આજે દસ અરજીઓ પર સુનાવણી થવાની વાત કહેવામાં આવી હતી. વક્ફ સુધારા કાયદાની માન્યતાને કોર્ટમાં પડકારવામાં આવી છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારેલા કાયદા હેઠળ વકફ મિલકતોનું સંચાલન અસામાન્ય રીતે કરવામાં આવશે અને આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનનની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સુધારો કર્યો હતો, જેનો અમલ કરવામાં આવ્યો છે. આ અંગે કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા છે અને ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ પણ નોંધાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ 5 એપ્રિલે સંસદમાં ચર્ચા દરમિયાન આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. કપિલ સિબ્બલે વક્ફ કાયદાનો વિરોધ કરતા કહ્યું કે પહેલા ફક્ત મુસ્લિમો જ બોર્ડનો ભાગ બની શકતા હતા પરંતુ હવે હિન્દુઓ પણ તેનો ભાગ બનશે. કલમ 26 કહે છે કે બધા સભ્યો મુસ્લિમ હશે. કાયદાના અમલ પછી, વકફ ડીડ વિના કોઈ વકફ ન બનાવી શકાય. સરકાર કહે છે કે વિવાદના કિસ્સામાં સરકારનો એક અધિકારી તપાસ કરશે. આ ગેરબંધારણીય છે. વકફ કાયદા વિરુદ્ધ દલીલ કરતાં સિબ્બલે કહ્યું કે આ સંપૂર્ણ સરકારી ટેકઓવર છે. તમે કોણ છો એવું કહેવાવાળા કે હું વકફ બાય યૂઝર ન બની શકું. મુસ્લિમોએ હવે વકફ બનાવવા માટે દસ્તાવેજો રજૂ કરવા પડશે. વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે અરજદારોની દલીલ એ છે કે વક્ફ ઈસ્લામ ધર્મનો આધાર અને ફરજિયાત છે. દાન કરવું ઈસ્લામમાં જરૂરી પ્રથા છે. વક્ફનો સુધારેલો કાયદો રાજ્યની તરફેણમાં છે અને તે ધર્મ પરથી નિયંત્રણ ગુમાવવાનું કારણ બને છે. 
વક્ફની મોટાભાગની મિલકતો અને જમીનો 100 વર્ષ પહેલા વક્ફ કરવામાં આવી હતી. તો પછી આના પુરાવા ક્યાંથી લાવીશું. આવા મુદ્દાઓ અનેક રાજ્યોમાં સામે આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે ધ્યાન આપવાની જરૂર છે અને નિર્ણય કરવાની જરૂર છે. સીજેઆઈ સંજીવ ખન્નાએ કહ્યું કે સરકારે હિન્દુઓના કિસ્સામાં પણ કાયદો બનાવ્યો છે. સંસદે મુસ્લિમો માટે પણ કાયદા બનાવ્યા છે. કલમ 26 ધર્મનિરપેક્ષ છે. આ બધા સમુદાયોને લાગુ પડે છે. કોર્ટમાં વકફ કાયદાનો વિરોધ કરતા કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે જો હું વકફ કરવા માગતો હોઉં તો શું મારે પુરાવા આપવા પડશે કે હું પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યો છું. જો હું મુસ્લિમ ધર્મમાં જ જન્મ્યો હોઉં તો મારે આ બધું કેમ કરવું પડે?  મારો પર્સનલ લૉ અહીં લાગુ પડશે. આ 26 કરોડ લોકોના અધિકારોનો પ્રશ્ન છે. શું અધિકારીઓ નક્કી કરશે કે કઈ મિલકત કોની છે? આનાથી સરકારી દખલગીરી વધશે.