ડ્રીમ ગર્લની સિક્વલમાં મને પડતી મૂકાતા દુઃખી...', અભિનેત્રી નુસરત ભરુચાનું દર્દ છલકાયું

April 16, 2025

આયુષ્માન ખુરાના અને અભિનેત્રી નુસરત ભરુચા સ્ટારર ફિલ્મ ડ્રીમ ગર્લને દર્શકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં ચાહકોને તેમની કેમિસ્ટ્રી અને કોમિક ટાઈમિંગ ખૂબ જ ગમી છે. પરંતુ જ્યારે ડ્રીમ ગર્લ-2ની જાહેરાત કરવામાં આવી ત્યારે દર્શકોને આંચકો લાગ્યો કારણ કે આ વખતે મુખ્ય અભિનેત્રી નુસરત ભરુચાની જગ્યાએ અનન્યા પાંડેને સાઈન કરાઈ હતી. અગાઉ પણ નુસરત ભરુચા ફિલ્મમાંથી બહાર થવા પર નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. પરંતુ તાજેતરમાં જ તેણે ફરી એકવાર આ મુદ્દા પર ખુલીને વાત કરી છે. નુસરતે કહ્યું કે, 'જ્યારે મારી જગ્યાએ અનન્યા પાંડેને લેવામાં આવી ત્યારે મારું દિલ તૂટી ગયું હતું. મારી પોતાની ફિલ્મની સિક્વલમાં મને કાસ્ટ ન કરવામાં આવતા મને વધુ દુઃખ થયું. ફિલ્મના બીજા બધા કલાકારો જૂના જ હતા, માત્ર છોકરીને જ બદલવામાં આવી હતી, જે મને ન ગમ્યું. આ બિલકુલ સારું નથી. ઠીક છે વાંધો નહીં.' 
જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તમે ડ્રીમ ગર્લ ફિલ્મની સિક્વલમાં વાપસી માટે કોઈ પ્રયાસો કર્યા? ત્યારે નુસરતે જવાબ આપ્યો કે, ના, હું તમને પ્રામાણિકપણે કહું છું, હું એવી કોઈ વસ્તુ માટે લડી શકતી નથી જે મને ખબર છે કે કોઈપણ રીતે બદલાશે નહીં. જ્યારે મને પહેલેથી જ ખબર છે કે ત્યાં કોઈ જગ્યા નથી તો મારે શું કામ લડવું જોઈએ? મારે શું કહેવું જોઈએ? તેઓએ મને કેમ ન લીધી? તેઓ કહેશે, અમને તું જોઈતી નથી. આ જ સત્ય છે. આ જ વાતનો અંત છે. આખરે આ કોઈનો નિર્ણય છે અને હું તેમના નિર્ણય પર નથી ઉઠાવી શકતી.