જેતપુરમાં પોલીસે 31 બાળમજૂરોને મુક્ત કરાવ્યા, સાડીના કારખાનામાં કરાવાતી હતી મજૂરી

April 16, 2025

ગુજરાત સહિત દેશભરમાં બાળ મજૂરી કરાવવી ગુનો છે. તેમ છતાં અનેક જગ્યાએ લોકો નાના ભૂલકાઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલતા જોવા મળે છે. આવી જ એક ઘટના ગુજરાતના જેતપુરમાંથી સામે આવી છે. જેતપુરના સાડીના કારખાનામાંથી 31 જેટલાં બાળમજૂરોને મુક્ત કરાયા છે. આ બાળમજૂરો ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં લાવવામાં આવતા અને અહીં કામ કરાવવામાં આવતું. જેતપુરમાં સાડીના કારખાનામાં બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાની એક NGOને બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસની સાથે મળીને બાતમીના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં. દરોડા દરમિયાન સાડીના બે કારખાનામાંથી 31 જેટલાં બાળમજૂરો મળી આવ્યા હતાં. આ બાળમજૂરો વિશે તપાસ કરતા સામે આવ્યું કે, ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી તેમને અહીં લાવીને અહીં ગોંધી રાખી કામ કરાવવામાં આવતુ હતું. હાલ આ તમામ આરોપીને કારખાનામાંથી મુક્ત કરાવી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં. 'બચપન બચાવો' સંસ્થા અને પોલીસે બન્ને કારખાનામાંથી 31 બાળકોનું રેસ્ક્યુ કરાવી મુક્ત કર્યા હતા. અહીં કેટલાક કારખાનામાં સાડીઓની ઘડી ઈસ્ત્રી કરતા પરપ્રાંતીય બાળકોને પગાર આપ્યા વગર ગોંધી રાખીને તેમની પાસે મજૂરી કરાવાતી હોવાનું પણ સામે આવ્યું હતું. જેતપુરના દાતાર તકિય પાસે આવેલા નામ વગરના ચલાવતા સાડીના ફિનિશિંગ કારખાનામાંથી 25 જેટલા બાળમજૂરો અને ભાદરના સામા કાંઠે ખુલ્લા ફાટકની સામે આવેલા રાજહંસ ટેક્સટાઇલમાંથી 6 મળી કુલ 31 બાળમજૂરો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી. આ તમામ બાળમજૂરોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને લાવીને રાજકોટ બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી તમામને તેમના વતન મોકલવામાં આવશે.