વક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી, AAP-BJPના MLA બાખડ્યાં

April 09, 2025

જમ્મુ  : જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ફરી એકવાર મોટો હોબાળો થયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે વક્ફ સંશોધન કાયદા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલી હદે વધી ગયો હતો કે, બંને પક્ષના નેતાઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. બીજી બાજુ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. એનસીના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા પર ચર્ચાની માગ કરતાં સદનમાં દેખાવો કર્યા હતા.

નેશનલ કોન્ફરન્સે પણ વક્ફ કાયદા મુદ્દે ચર્ચાની માગ કરી છે. ભાજપે તેનો વિરોધ કરતાં હોબાળો મચ્યો હતો. જેના લીધે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ત્રણ કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી

વિધાનસભાની બહાર પ્રવેશ દ્વાર પર જ ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી.  તેઓએ ધક્કા-મુક્કી અને મારામારી કરી હતી. ભાજપના નેતાઓએ AAP પર આરોપ મૂક્યો હતો કે, તેમણે વિધાનસભાની અંદર વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હતી. જ્યારે AAPએ ભાજપ આરોપ લગાવ્યો હતો કે, તેઓએ હોબાળો કરતાં અમારા પર હુમલો કર્યો.

ભાજપના ધારાસભ્યે જણાવ્યું હતું કે, તેઓ મીડિયા સાથે વાતચીત દરમિયાન હિન્દુઓ વિરૂદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતાં. વિધાનસભાની કાર્યવાહી જોવા આવેલા પીડીપીના કાર્યકરોએ પણ મુફ્તી મોહમ્મદ સૈયદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરતાં તેમણે પણ AAP ના ધારાસભ્યો સાથે મારામારી કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિકે કહ્યું કે, આ લોકો મને જણાવશે કે, તેઓ બહાર તમાશો કેમ કરી રહ્યા હતા, ભાજપના લોકોએ હુમલો કર્યો હતો.

ભાજપના ધારાસભ્ય વિક્રમ રંધાવાએ નિવેદન આપ્યું હતું કે, બે કોડીના ધારાસભ્ય હિન્દુઓને ગાળો આપશે, આજે તેમને બતાવવું પડશે. જ્યારે AAPના ધારાસભ્યે કહ્યું કે, હિન્દુ તિલક લગાવી દારૂ પીવે છે, ચોરી કરે છે. 

વક્ફ બિલ સંસદમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મહોર લાગતાં કાયદો બન્યો છે. જે ગઈકાલથી સત્તાવાર ધોરણે લાગુ પણ થયો છે. પરંતુ તેના વિરોધમાં રાજકારણની લડાઈ થંભી રહી નથી. છેલ્લા ત્રણ દિવસથી વક્ફ કાયદા મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભા યુદ્ધનો અખાડો બની ગઈ છે. પીડીપીના નેતાની આ મુદ્દે ચર્ચા કરવાની માગ ફગાવી દેવામાં આવતાં હોબાળો થયો હતો. આ હોબાળાએ આજે ઉગ્ર સ્વરૂપ લીધુ હતું.