ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટી પડતાં 20થી વધુ લોકોના મોત, 150થી વધુ ઘાયલ

April 09, 2025

ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત અચાનક તૂટી પડી છે, જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. દુર્ઘટના થઈ તે સમયે નાઈટક્લબમાં લાઈવ મ્યુઝિક પર્ફોર્મન્સ ચાલી રહ્યું હતું, જેના કારણે ત્યાં ભારે ભીડ હતી. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે અને તેને લઈને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અકસ્માત સમયે સ્ટેજ પર પરફોર્મ કરી રહેલી પ્રખ્યાત મેરેંગ્યુ ગાયિકા રૂબી પેરેઝ પણ આ અકસ્માતમાં ઘાયલ થઈ છે. ડોમિનિકન રિપબ્લિકના રાષ્ટ્રપતિ લુઈસ એબિનાડેરે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. 

તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે જેટ સેટ નાઇટક્લબમાં બનેલી આ દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. અમારી બધી એજન્સીઓ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે અવિરત કામ કરી રહી છે. રાષ્ટ્રપતિ અબિનાદરે પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ત્યાં પોતાના પ્રિયજનોને શોધી રહેલા લોકોને સાંત્વના આપી.