અબુ ધાબીના બીએપીએસ મંદિરમાં પહેલા દિવસે 65 હજારથી વધુ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

March 04, 2024

વિદેશની ધરતી એટલે કે અબુ ધાબીમાં તાજેતરમાં ઉદ્ઘાટન થયેલા બીએપીએસ મંદિરમાં રવિવારે 65,000 થી વધુ યાત્રાળુઓએ દર્શન કર્યા હતા. કારણ કે આ પહેલો રવિવાર હતો જ્યારે તેને લોકો માટે ખોલવામાં આવ્યું હતું. મંદિર ખુલતાની સાથે જ સવારે 40 હજારથી વધુ પ્રવાસીઓ બસો અને વાહનોમાં આવ્યા હતા અને પ્રાર્થના કરી હતી.

સાંજે અહીં 25 હજારથી વધુ લોકોએ પૂજા-અર્ચના કરી હતી. મળતી માહિતી અનુસાર, પ્રથમ દિવસે સવારે 40,000થી વધુ લોકો બસો અને વાહનોમાં અને 25,000 સાંજે દર્શન કરવા આવ્યા હતા અને ભારે ભીડ હોવા છતાં, લોકો કોઈપણ મુશ્કેલી વિના લાઈનમાં ધીરજપૂર્વક ઊભા રહ્યા હતા. દિવસના અંતે, 65,000 થી વધુ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી.

મંદિરમાં આવતા ભક્તોએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને BAPS સ્વયંસેવકો અને મંદિરના કર્મચારીઓના સંચાલનની પ્રશંસા કરી હતી. આ અવસરે અબુ ધાબીના સુમંત રાયે કહ્યું, હજારો લોકોની વચ્ચે મેં આટલો અદભુત ઓર્ડર ક્યારેય જોયો નથી. મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને શાંતિથી દર્શન કરી શકીશું નહીં, પરંતુ અમે અદ્ભુત દર્શન કર્યા અને અત્યંત સંતુષ્ટ થયા. તમામ BAPS સ્વયંસેવકો અને મંદિરના કર્મચારીઓને સલામ.