વિદેશથી ગુજરાતમાં 850થી વધુ મતદારો મતદાન કરવા માટે આવશે

April 16, 2024

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આવખતે 4.92 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. 

લોકસભાની ચૂંટણીમાં 850થી વધુ મતદારો વિદેશથી પણ મતદાન માટે આવવાના છે. વિદેશથી મતદાન માટે આવનારા મતદારોમાંથી સૌથી વધુ 218 અમદાવાદથી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રોજગાર-શિક્ષણ માટે ભારતનો કોઈ નાગરિક વિદેશમાં વસતો હોય અને હજુ તેને અન્ય દેશનું નાગરિકત્વ મળ્યું ન હોય તો તે નોન રેસિડેન્ટ ઇન્ડિયન તરીકે ચૂંટણી પંચની વેબસાઈટમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 

જેમાં તેને ફોર્મ 6A ભરીને વિવિધ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડે છે અને ત્યારબાદ જ તે મત આપવા માટે માન્ય ગણાય છે. આ રીતે રજીસ્ટ્રેશન કરાવનારા એનઆરઆઈને ઈલેક્ટ્રોલ ફોટો આઇડેન્ટી કાર્ડ અપાતો નથી અને તે ઓરિજનલ પાસપોર્ટ દર્શાવીને વોટ કરી શકે છે.


ઉલ્લેખનીય છે કે, વિદેશમાં વસતા ગુજરાતીઓની સંખ્યા ખૂબ જ વધુ છે છતાં ત્યાંથી ચૂંટણી વખતે મતદાન માટે રજીસ્ટ્રેશન કરાવનારાનું પ્રમાણ સાધારણ જોવા મળે છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે 64 એનઆરજી દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું.

આ અંગે અધિકારીઓનું માનવું છે કે, વિદેશમાં વસતા ભારતીયો માટે ઓનલાઈન વોટિંગ કે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા નથી. જેના કારણે વિદેશમાં વસતા ભારતીય મતદારોએ મતદાન માટે પોતાના મતક્ષેત્ર સુધી આવવું પડે છે. 

જેના કારણે મોટાભાગના લોકો રજીસ્ટ્રેશન કરાવવાનું પણ ટાળે છે. એનઆરઆઈ મતદારો વધુ સંખ્યામાં મતદાન માટે આવે તેના માટે યોગ્ય પ્રચાર કરવામાં આવે તે પણ જરૂરી છે.

2014ની લોકસભા ચૂંટણી વખતે સમગ્ર ભારતમાંથી 13039 એનઆરઆઈ મતદારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી માત્ર 8 એનઆરઆઈ મતદારો જ મતદાન માટે આવ્યા હતા. આ પૈકી ગુજરાતમાંથી સૌથી વધુ 4 જ્યારે ચંડીગઢમાંથી બે, રાજસ્થાન- પશ્ચિમ બંગાળમાંથી 1-1 NRI મતદારનો સમાવેશ થતો હતો. 

ગુજરાતમાંથી કુલ કેટલા એનઆરજીએ લોકસભા ચૂંટણીમાં મતદાન કરાવ્યું છે તેનો આખરી આંકડો 19 એપ્રિલના જાહેર કરવામાં આવશે.